Panchmahal Fake Marriage Registration Scam: પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં બોગસ લગ્ન નોંધણીનું ચકચારી કૌભાંડ સામે આવ્યું છે. કણજી પાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલની પોલીસે ધરપકડ કરી છે. તપાસ દરમિયાન તલાટીએ આ કૌભાંડથી કમાયેલા રૂ. 50 લાખની કબૂલાત કરી છે અને સરકારી દસ્તાવેજો પોતાના મિત્રના ઘરે સંતાડ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો, જેના આધારે પોલીસે દરોડા પાડીને તમામ રેકોર્ડ કબજે કર્યું છે.
ધરપકડ બાદ મિત્રના ઘરેથી સરકારી દફતર મળ્યું
મીડિયા અહેવાલો અને વીડિયોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વિકાસ અધિકારીએ તલાટી અર્જુન મેઘવાલને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો અને તપાસના આદેશ આપ્યા હતા. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તલાટીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં તલાટીએ કબૂલ્યું કે તેણે ગ્રામ પંચાયતના લગ્ન નોંધણીના રજિસ્ટર અને અન્ય સરકારી દસ્તાવેજો કાલોલ તાલુકાના ડેરોલ ગામે રહેતા મિત્રના ઘરે સંતાડ્યા છે.

લગ્ન નોંધણી સહિતના તમામ દસ્તાવેજો જપ્ત:
તલાટીની કબૂલાતના આધારે પોલીસે ડેરોલ ગામે દરોડા પાડીને કણજી પાણી અને કરા ગ્રામ પંચાયતના લગ્ન નોંધણીના તમામ દસ્તાવેજો, રજિસ્ટર, કોરા લગ્ન નોંધણી સર્ટિફિકેટ અને વર્ષ 2025 દરમિયાન થયેલા તમામ લગ્ન નોંધણીનું રેકોર્ડ જપ્ત કર્યું છે. પોલીસે હાલમાં જપ્ત કરેલા તમામ સાહિત્યના આધારે આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને કેટલા બોગસ સર્ટિફિકેટ ઇશ્યુ થયા છે, તે દિશામાં ઊંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરી છે.

કૌભાંડ અને વીડિયોમાં તલાટીની કબૂલાત
આ સમગ્ર પ્રકરણની શરૂઆત કણજી પાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી અર્જુન મેઘવાલના એક વાયરલ વીડિયોથી થઈ હતી. વીડિયોમાં તલાટી પોતે કબૂલાત કરતો જોવા મળ્યો હતો કે તેણે એક જ વર્ષના સમયગાળામાં અંદાજે 2000 જેટલા લગ્નની નોંધણી કરી છે. તેણે જણાવ્યું હતું કે તે એક લગ્ન નોંધણી દીઠ રૂ. 2500 લેતો હતો. આ રીતે તેણે કુલ રૂ. 50 લાખની ગેરકાયદેસર કમાણી કરી અને તેમાંથી રાજસ્થાનમાં જમીન પણ ખરીદી છે. પટેલ સમાજના એસપીજી ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં આવીને ખોટી રીતે લગ્ન નોંધણી કરાવી રહ્યા છે.


