Panchmahal News: ક્યારે કેવી આફત આવી પડે કોને ખબર! પાવાગઢ દર્શને આવેલા વડોદરાના ખાનગી શાળા બે શિક્ષકો ડૂબ્યાં છે. ગઇકાલ (4 જાન્યુઆરી)ના રોજ સાંજે બનેલી આ ઘટનામાં હજુ પણ બંને શિક્ષકોમાંથી એક પણનો પત્તો મળ્યો નથી, ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમો શિક્ષકોને છેલ્લા 24 કલાકથી કેનાલમાં શોધી રહી છે. પણ પ્રચંડ વહેણને કારણે હજુ સુધી કોઈ ભાળ મળી નથી.
કેવી રીતે બની ઘટના?
વડોદરાની એક ખાનગી શાળામાં અભ્યાસ કરાવતા અને વડોદરા ખાતે રહેતા (મૂળ પરપ્રાંતિય) ચાર શિક્ષક મિત્રો શુભમ મિથિલેશકુમાર પાઠક, રાહુલ વિરેન્દ્ર યાદવ, વિદ્યુત પ્રકાશ રવિન્દ્ર સિંગ અને અસીત જનમેજય ઓઝા પાવાગઢ દર્શન માટે ગયા હતા. બપોરે દર્શન કર્યા બાદ તેઓ સાંજે 7:30 કલાકની આસપાસ હાલોલ વડોદરા હાઇવે પર ખંડીવાળા ખાતે આવેલી નર્મદાની મુખ્ય કેનાલ ખાતે પાળ પર આવીને બેઠા હતા. જ્યાં રાહુલ યાદવ નામના શિક્ષક નર્મદાના કેનાલમાં પોતાનો પગ ધોવા માટે ગયા હતા. તે દરમિયાન અચાનક જ તેઓનો પગ લપસી જતા તે પાણીમાં ડૂબવા લાગ્યા હતા.
મિત્રને બચાવવા ગયા, બંને ડૂબવા લાગ્યા!
મિત્ર શિક્ષકને ડૂબતો જોઈ ક્ષણ ભરનો વિચાર કર્યા વગર શુભમ પાઠક કેનાલમાં કૂદી ગયા હતા. તેમણે તરતા પણ આવડતું હતું, પણ કુદરતને બીજું જ મંજૂર હતું. નર્મદાના ધસમસતા વહેતા ઊંડા પાણીમાં બંને ડૂબવા લાગ્યા હતા. અને પ્રવાહ સાથે આગળ તણાઇ રહ્યા હતા. સાથીદારોને ડૂબતાં જોઈ હાજર અન્ય બે શિક્ષકો ગભરાઈ જતાં ચીસાચીસ કરી મદદ માટે ગુહાર લગાવી હતી અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
મોડી રાત સુધી શોધખોળ
બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને હાલોલ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, અને નર્મદાના ઊંડા પાણીમાં ડૂબેલા બંને શિક્ષક મિત્રોની શોધમાં જોતરાઈ હતી. મોડી સાંજથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી ડૂબેલા બંને મિત્રો રાહુલ અને શુભમની શોધખાલ હાથ ધરાઇ હતી છતાં પણ પગેરું મળ્યું ન હતું. જેથી રાત્રે શોધખોળની કામગીરી મુલતવી રાખી હતી.
આ પણ વાંચો: ગાંધીનગરમાં રોગચાળો: એક બાળકનું શંકાસ્પદ મોત, સિવિલમાં બેડ ખૂટી પડતા નવો વોર્ડ શરૂ કરાયો
આજે સોમવારે સવારથી ફરી એકવાર રેસ્ક્યૂ ટીમોએ નર્મદા કેનાલના સંભવિત વિસ્તાર તપાસ આદરી હતી. ભારે જહેમત બાદ પણ સાંજે 6 વાગ્યા સુધી કેનાલના પાણીમાં ડૂબેલા રાહુલ યાદવ અને શુભમ પાઠકના કોઈ પત્તો મળ્યો નથી. ઘટનાની જાણ બંને શિક્ષકના પરિવારને પણ કરવામાં આવી છે.


