Gandhinagar News: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળાએ અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને જૂના સેક્ટરો અને આસપાસના વિસ્તારોમાં ટાઇફોઇડના કેસોમાં મોટો ઉછાળો આવતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓનો એવો ધસારો છે કે બેડ ખૂટી પડ્યા છે અને તાત્કાલિક ધોરણે વધારાનો વૉર્ડ શરુ કરવાની ફરજ પડી છે. એટલું જ નહીં, પાંચમી જાન્યુઆરીએ પાણીજન્ય રોગચાળાના કારણે એક સાત વર્ષીય બાળકીનું પણ મોત થઈ ગયું છે. આમ છતાં, ગાંધીનગર મહા નગરપાલિકાએ પાંચમી જાન્યુઆરીએ એક પ્રેસ નોટમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં ટાઇફોઇડના કારણે થયેલા મૃત્યુના સમાચાર ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. જો કે, બીજા દિવસે સત્તાવાર સમાચારો પણ પ્રકાશિત થયા કે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલે આપેલી માહિતી પ્રમાણે ટાઇફોઇડનો રોગચાળો બેકાબુ છે, જેમાં એક બાળકીનું મોત પણ થયું છે. આ સાથે જ ગાંધીનગર મનપાના જૂઠ્ઠાણાનો પર્દાફાશ થઈ ગયો હતો.
ગાંધીનગર મનપાએ આંકડા જાહેર કરી ફેરવી તોળ્યું
ગાંધીનગરમાં પ્રસરેલા આ રોગચાળામાં ગાંધીનગર મનપા દ્વારા જાહેર કરાયેલા આંકડામાં અત્યાર સુધીમાં 133 કેસ સામે આવ્યા છે, જેમાંથી 45 લોકોને રજા આપી દેવાઈ છે જ્યારે 88 લોકો સારવાર હેઠળ છે. આ સાથે ગાંધીનગર મનપા દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, હાલ એક પણ દર્દીની સ્થિતિ ગંભીર નથી. પરંતુ આઘાતાશ્ચર્ય એ વાતનું છે કે, સાત વર્ષની બાળકીનું મોત થઈ ગયું એ સ્થિતિમાં પણ ગાંધીનગર મનપાએ જૂઠ્ઠાણું ચલાવવાનો પ્રયાસ કર્યો, જે સાબિત કરે છે કે ગાંધીનગર મનપાનું તંત્ર કેટલી હદે બેદરકાર છે. મનપાને લોકોની નહીં, પરંતુ પોતાના પાપ છૂપાવવામાં જ રસ છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સરકારી તંત્ર દ્વારા જ સાત વર્ષીય બાળકીના મોતની પુષ્ટિ કરાઈ હોય, ત્યારે પાલિકા દ્વારા તેને નકારવી એ આંકડા છુપાવવાની ગંભીર બાબત ગણાય. ત્યારે તંત્રની આવી ઘોર બેદરકાર અને જૂઠ્ઠાણાની નીતિના કારણે ગાંધીનગરના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે શુદ્ધ પાણી આપવાની જવાબદારીમાં નિષ્ફળ ગયેલું તંત્ર હવે સત્ય છુપાવવા માટે જૂઠ્ઠાણા ફેલાવી રહ્યું છે. એક માસુમ બાળકીના મોત બાદ સંવેદના દાખવવાને બદલે તંત્ર પોતાની છબી બગડે નહીં તેના કાવાદાવામાં રાચી રહ્યું છે.
ગાંધીનગર મનપાને રોગચાળાની આગોતરી જાણ હતી
આ આખી ઘટનામાં તંત્રની ગુનાઇત બેદરકારી પણ સામે આવી છે. આરોગ્ય વિભાગે 30 ડિસેમ્બરના રોજ જ ગાંધીનગર મહા નગરપાલિકાને લેખિતમાં જાણ કરી હતી કે શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે. આમ છતાં, પાલિકા તંત્ર ઘોર નિદ્રામાં રહ્યું અને કોઈ નક્કર પગલાં ન લેવાયા, જેનું પરિણામ આજે ગાંધીનગરની જનતા ભોગવી રહી છે.
19થી 20 જગ્યાએ પાણીની લાઇનમાં લિકેજ
આ તપાસમાં સામે આવ્યું છે કે પાટનગરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 19થી 20 જેટલી જગ્યાએ પીવાના પાણીની લાઇનમાં લિકેજ છે. આ લિકેજને કારણે ગટરનું ગંદુ પાણી પીવાની લાઇનમાં ભળી રહ્યું છે, જેના કારણે ટાઇફોઇડના કેસોમાં વિસ્ફોટક ઉછાળો આવ્યો છે. જો પાલિકાએ સમયસર આ લિકેજ બંધ કર્યા હોત, તો આજે સ્થિતિ આટલી ગંભીર ન હોત!


