VIDEO | છોટાઉદેપુર: નસવાડીના પલસાણીથી ખંભાયતા ચોકડી સુધીના રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય, રાહદારીઓ પરેશાન

Road Bad Condition In Naswadi : છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં પલસાણીથી ખભાયતા ચોકડી તરફ જતો રસ્તો છેલ્લા 10 વર્ષથી ખરાબ હાલતમાં હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડી રહીછે. રસ્તામાં મસમોટા ખાડા હોવાના કારણે અકસ્માતનો ભય રહે છે. આ મામલે સ્થાનિકોએ અનેક વખત તંત્રને નવો રોડ બનાવવા રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. એટલે રોડ વહેલીતકે નવો બનાવવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.
નસવાડીમાં રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય
મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પલસાણી ગામ પાસેથી ખંભાયતા ચોકડી સુધીનો માર્ગ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાને જોડતો માર્ગ છે. જ્યારે આ રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગની માલિકીનો છે અને 10 વર્ષથી આ રસ્તો નવો ન બનાવવામાં આવતા રસ્તાની હાલત બત્તર થઈ છે. ડામર ઘસાઈ જવાથી કપચી બહાર નીકળી ગઈ છે અને રસ્તામાં મોટા-મોટા ખાડા પડી ગયા છે.

નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાને જોડતાં રોડ પર મોટી સંખ્યામાં વાહનચાલકોની અવર-જવર રહેતી હોય છે. તેવામાં રસ્તા પર ખાડા પડેલા હોવાથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય રહે છે. જેમાં ઘણી વખત અકસ્માત સર્જાતા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

રોડ-રસ્તાની ખરાબ હાલત મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ આદિવાસી વિસ્તારને જોડતાં રસ્તાઓ બનાવવા માટે આપે છે. પરંતુ અધિકારીઓ ધ્યાન રાખતા નથી. તંત્ર નસવાડી ટાઉનથી 10 કિલોમીટર દૂર આવેલો આ રસ્તો બનાવતી નથી. જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


