Get The App

છોટાઉદેપુરમાં તંત્રના પાપે 120થી વધુ લોકો બીમાર પડ્યા! ગટરનું પાણી નદીમાંથી થઈને ઘરોના નળ સુધી પહોંચ્યું

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
છોટાઉદેપુરમાં તંત્રના પાપે 120થી વધુ લોકો બીમાર પડ્યા! ગટરનું પાણી નદીમાંથી થઈને ઘરોના નળ સુધી પહોંચ્યું 1 - image


Chhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રાથમિક જરૂરિયાતથી વંચિત લોકો ગટરની અયોગ્ય વ્યવસ્થા અને દૂષિત પાણીનો નદીમાં નિકાલ, શુદ્ધ પીવાના પાણીની સમસ્યાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા આ મામલે યોગ્ય ધ્યાન ન આપતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુરમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં ગટરનું દૂષિત પાણી ઠાલવવામાં આવતું હોવાથી સ્થાનિકોમાં ચામડી, ઝાડા-ઉલટી, કબજિયાત જેવી બીમારી વધી રહી છે. છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગોના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં 120થી વધુ દર્દીઓ બીમાર પડ્યા છે. આમ હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી. 

ગટરનું પાણી નદીમાંથી થઈને ઘરોના નળ સુધી પહોંચતા પાણીજન્ય રોગચાળો વધ્યો

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરમાં પાણીજન્ય રોગોના કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીની સંખ્યા વધી રહી હોવાનું સામે આવ્યું છે. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ગંદા પાણીની ગટર લાઇન માંથી પીવાના પાણીની લાઇનો પસાર થઈ રહી છે. તેમજ ગટરના પાણીનો નિકાલ ઓરસંગ નદીમાં કરવામાં આવી રહ્યો છે. આ ગંદુ અને દૂષિત પાણી નદીમાં બનાવેલા કૂવામાંથી તંત્ર દ્વારા લોકોને પૂરુ પાડવામાં આવે છે. જેનાથી સ્થાનિકોમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. 

છોટાઉદેપુરમાં તંત્રના પાપે 120થી વધુ લોકો બીમાર પડ્યા! ગટરનું પાણી નદીમાંથી થઈને ઘરોના નળ સુધી પહોંચ્યું 2 - image

નગરજનોનો આરોપ છે કે, ઓરસંગ નદીના કિનારે આવેલા કૂવામાં પાંચ વર્ષ પહેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. નગરપાલિકા પાસે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં અડધા શહેરને પણ શુદ્ધ પાણી આપી શકે તેટલી તેની ક્ષમતા નથી અને પ્લાન્ટ નિયમિત ચાલતું પણ નથી. 

અયોગ્ય ભૂગર્ભ ગટર વ્યવસ્થાથી સ્થાનિકો પરેશાન

સ્થાનિકોએ જણાવ્યું કે, નગરની ભૂગર્ભ ગટર લાઈન યોજના સદંતર નિષ્ફળ રહી છે. કવાંટ બ્રિજ પાસે લોકોના કનેક્શનવાળી ગટર લાઈન તૂટેલી હાલતમાં છે. આ ગંદુ પાણી સીધું નદીમાં જાય છે અને પાલિકાના વોટર વર્ક્સમાં ભળી જાય છે. પરિણામે નગરજનો આ જ દૂષિત પાણી પીને બીમાર પડે છે. છોટાઉદેપુરના નાગરિકો પાણીની સુરક્ષા માટે ચિંતિત છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

છોટાઉદેપુરમાં તંત્રના પાપે 120થી વધુ લોકો બીમાર પડ્યા! ગટરનું પાણી નદીમાંથી થઈને ઘરોના નળ સુધી પહોંચ્યું 3 - image

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ગટરના દૂષિત પાણીનું મિશ્રણ અને ફિલ્ટર વગરનું પાણી લોકોને પૂરું પાડવામાં આવતા નગરજનોમાં પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીની સંખ્યા વધી રહી છે, ત્યારે સિવિલિ હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે, છેલ્લા 20 દિવસમાં પેટમાં દુઃખાવો થવો, ઉબકા-ઉલટી થવી, કમળા જેવા કેસ સામે આવી રહ્યા છે. જેમાં ખરાબ પાણી પીવાથી, ટોઈલેટ ગયા બાદ વ્યવસ્થિત હાથ ન ધોવાથી સહિતના મુખ્ય કારણો જવાબદાર છે. જેને લઈને લોકોએ સાવચેતીના ભાગરૂપે ચોખ્ખુ અને ગરમ કરેલું પાણી પીવું જોઈએ. 

છોટાઉદેપુરમાં તંત્રના પાપે 120થી વધુ લોકો બીમાર પડ્યા! ગટરનું પાણી નદીમાંથી થઈને ઘરોના નળ સુધી પહોંચ્યું 4 - image

આ પણ વાંચો: વડોદરા શહેરના સેવાસી રોડ પરની રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ થતા રોષ

છોટાઉદેપુર નજીકથી પસાર થતી ઓરસંગ નદીમાં દૂષિત પાણી ઠલવાતા નગરના લગભગ 35 હજાર લોકોના આરોગ્યની નગરપાલિકાના સત્તાધીશોને જાણે કાંઈ પડી ન હોય તેવું લાગી રહ્યું છે. ગટરના પાણી યોગ્ય નિકાલ અને શુદ્ધ પીવાનું પાણી સ્થાનિકોને જો સમયસર નગરપાલિકાના સત્તાધીશો નહીં પૂરું પાડે તો આવનારા સમયમાં દર્દીઓની સંખ્યા વધી શકે છે. 

Tags :