પાલેજ: ઘર ખર્ચ માંગતી પત્નીને માર મારી પતિએ ત્રિપલ તલાક આપીને સંબંધ તોડી નાખ્યો
ભરૂચના ટંકારીયા ગામ ખાતે ઘર ખર્ચ માંગતી પત્નીને માર મારી પતિએ પત્નીને ત્રિપલ તલાક આપીને સંબંધ તોડી નાખ્યો હતો. આ મામલે પીડિત પરિણીતાએ પાલેજ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ભરૂચના ટંકારીયા ગામ ખાતે રહેતી 40 વર્ષીય સલમાબાનુ (નામ બદલ્યું છે) એ ફરિયાદમાં કહ્યું હતું કે, વર્ષ 2005માં મારા લગ્ન ફિરોજ નગીયા સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન સંતાનમાં અમને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. પતિ રીક્ષા ચલાવે છે પરંતુ, સંગત ખરાબ હોવાથી ઘર ખર્ચ માટે રૂપિયા આપતા નથી. અને રૂપિયા માંગો તો અવારનવાર ઝઘડો કરી માર મારી પિયરમાંથી રૂપિયા લઇ આવવા દબાણ કરે છે. ગઈ તા.3 સપ્ટેમ્બરના રોજ રાત્રે પતિ પાસે ઘર ખર્ચ માટે રૂપિયાની માંગણી કરતા મને ત્રણ તમાચા મારી દીધા હતા. અને ઘરમાંથી નીકળી જા નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી દરમ્યાન આવેશમાં આવી પતિએ મુસ્લિમ સરીયત મુજબ ત્રણ વખત "તલાક" બોલી સ્થળ પર જ છૂટાછેડા આપી દીધા હતા. આજીજી કરવા છતાં પતિ માન્ય ન હતા અને મુસ્લિમ સરીયત મુજબ તું મારી પત્ની રહી નથી તેવું કહી ઘર છોડી દેવા માટે દબાણ કર્યું હતું. પતિએ મને તેઓની પત્ની તરીકે કાયદેસરના છૂટાછેડા આપ્યા નથી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ મારામારી, ધાકધમકી, મુસ્લિમ મહિલા અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.