સુરતના 'પાકિસ્તાની મહોલ્લા'નું નામ બદલીને 'હિન્દુસ્તાની મહોલ્લા' કરાયું, જાણો કારણ
Surat News: સુરત સહિત સમગ્ર દેશમાં આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે તૈયારી થઈ રહી છે. ત્યારે સુરત પાલિકાના રામનગર વિસ્તારમાં આવેલા એક મહોલ્લાનું નામ 'પાકિસ્તાન મોહલ્લા'થી બદલીને 'હિન્દુસ્તાની મહોલ્લો' કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આ વિસ્તારના લોકોના આધાર કાર્ડમાં પણ પાકિસ્તાન મહોલ્લો લખાઈને આવતું હતું, ત્યારે હવે આ નામકરણ બાદ હિન્દુસ્તાની મહોલ્લો લખવામાં આવે તેવી સ્થાનિકોને આશા છે.
જોકે, સુરત પાલિકાએ 2018મા આ મહોલ્લાનું નામકરણ બદલવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેનો અમલ છેક આજે કરવામાં આવ્યો છે. આજે સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં હિન્દુસ્તાની મહોલ્લોની તકતીનું અનાવરણ કરાયું હતું જેના કારણે સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
સુરતમાં 'પાકિસ્તાન મહોલ્લા'નું નામ બદલીને 'હિન્દુસ્તાની મહોલ્લો' કરાયું
છેલ્લા કેટલાક સમયથી ભારત-પાકિસ્તાનના સંબંધ બગડી રહ્યાં છે અને લોકો પાકિસ્તાનને નફતર કરી રહ્યા છે, તેવામાં સુરત પાલિકાના રાંદેર ઝોનમાં રામનગર વિસ્તારમાં એક મહોલ્લો પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતો હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળતી હતી. સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પાલિકાના શાસક પક્ષના નેતા હતા ત્યારે આ મહોલ્લાનું નામ બદલવા માટે પ્રયાસ કર્યો હતો. સુરત પાલિકાની સાંસ્કૃતિક સમિતિએ 2018માં ઠરાવ કરીને પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લો કર્યું હતું.
લાંબા સમય બાદ નામ બદલાતા સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ
જોકે, ત્યારબાદ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો જેના કારણે સ્થાનિકોના આધારકાર્ડમાં પણ પાકિસ્તાન મહોલ્લો જ નામ આવતું હતું. હાલ પાકિસ્તાનની હરકતના કારણે આખો ભારત-પાકિસ્તાન પ્રત્યે નફરત કરે તેવી હાલત હોવાથી પાકિસ્તાની મહોલ્લામાં રહેતા લોકો શરમ અનુભવતા હતા. જોકે, આટલા લાંબા સમય બાદ સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા પાકિસ્તાન મહોલ્લાની જગ્યાએ હિન્દુસ્તાની મહોલ્લોની તખ્તીનું નામકરણ કર્યું હતું. જેના કારણે સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
સ્થાનિકોએ કહ્યું હતું કે, હવે નામ બદલવાથી ગર્વની લાગણી થઈ રહી છે અને હવે અમારા આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોમાં પણ પાકિસ્તાની મહોલ્લાનું નામ કાઢીને હિન્દુસ્તાની મહોલ્લો જલ્દી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: જન્માષ્ટમી સહિતના તહેવારોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 20મી ઓગસ્ટ સુધી ઍલર્ટ
તખ્તી અનાવરણ બાદ ધારાસભ્ય પૂણેશ મોદીએ કહ્યું હતું કે, 'ભારતના ભાગલા પહેલા પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં રહેતા હિન્દુઓએ ભારે યાતના ભોગવી હતી. ત્યારબાદ આખા દેશના અનેક વિસ્તારમાં સિંધી સમાજના લોકો સુરત આવ્યા હતા. ત્યારબાદ સુરતમાં રામનગર વિસ્તારમાં રહેતા હતા તેમાંથી એક મહોલ્લાને પાકિસ્તાની મહોલ્લા તરીકે ઓળખવામાં આવતો હતો. જોકે, આ અંગેની જાણ 2015-16મા થતા ચર્ચા વિચારણા થઈ હતી અને પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો. વર્ષ 2018માં ઠરાવ કરીને હિન્દુસ્તાની મહોલ્લા નામકરણ થયું હતું જેના કારણે તખ્તી અનાવરણ થયું છે. આ મહોલ્લાના લોકોના આધાર કાર્ડ સહિતના જે દસ્તાવેજો છે તેમાં સેવા સેતુ કાર્યક્રમમાં નામ સુધારણા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.'