પી. ટી. જાડેજા વિરુદ્ધ પાસાનો હુકમ રદ: ક્ષત્રિય સમાજે કરી હતી રજૂઆત, જુઓ જેલમાંથી બહાર આવીને શું કહ્યું?
P. T. Jadeja's PASA order cancelled : ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે ઓળખાતા પી.ટી. જાડેજાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અમરનાથ મંદિરમાં આરતી ન કરવા મુદ્દે પી.ટી જાડેજાએ ધમકી આપી હતી. આ પછી પોલીસે પાસા (ગુજરાત પ્રિવેન્શન ઑફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ તેમની ધરપકડ કરીને સાબરમતી જેલ મોકલ્યા હતા. જોકે, સમગ્ર મામલે રાજ્યભરના ક્ષત્રિય સમાજે મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રી રજૂઆત કરીને પાસાનો હુકમ રદ કરવાની માગ કરી હતી. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહ વિભાગે પી.ટી. જાડેજાનો પાસાનો રદ કર્યો હતો. આજે પી.ટી. જાડેજાને જેલમુક્ત કરવામાં આવ્યા છે.
જેલમાંથી બહાર આવીને પી.ટી. જાડેજાએ શું કહ્યું?
જેલમાંથી બહાર આવીને પી.ટી. જાડેજાએ કહ્યું હતું કે, 'હું 18 દિવસથી ઉપવાસ પર હતો. હું 9 નોરતા કરીને ગયો હતો અને જેલમાં પણ એટલા દિવસથી જમ્યો નથી. મારી તબિયત પણ સારી નથી. એટલે મારે માતા અંબાના દર્શન કરવા જવું છે એ પણ હું બે દિવસ પછી જઈશ. '
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાએ થોડા સમય પહેલા અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા બાબતે ધમકી આપી હતી. જેમાં જાડેજાએ કારખાનેદાર જસ્મિનભાઈને ફોન કરીને કહ્યું હતું કે, 'આરતી કરતો નહીં, નહિતર લોહિયાળ જંગ થશે.' જે મુદ્દે રાજકોટ તાલુકા પોલીસે પાસા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 4 જુલાઈએ પી.ટી. જાડેજાની ધરપકડ કરી સાબરમતી જેલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, ધરપકડ બાદ અનેક ક્ષત્રિય આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને જાડેજાની ધરપકડનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલમાં ધકેલાયા, મંદિરમાં આરતી ન કરવા બાબતે આપી હતી ધમકી
ક્ષત્રિય સમાજનો વિરોધ
પી.ટી જાડેજાની ધરપકડ મુદ્દે ક્ષત્રિય આગેવાન જયેન્દ્રસિંહ જાડેજાએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'સરકારે ઉતાવળિયું અને ખોટું પગલું ભર્યું હતું. તેમની વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવી તે ખરેખર ખૂબ ખોટું અને દુઃખદ છે. સરકાર સામે ક્ષત્રિયોને જે વાંધો હતો તે બધું હવે ઠંડુ થઈ ગયું છે. હવે ક્ષત્રિય સમાજને સરકાર સામે કોઈ વાંધો નથી તેમ છતાં જો સરકાર આવા પગલાં લેશે તો ક્ષત્રિય અને રાજપૂત સમાજ સામે સરકારને કાયમી વાંધો થશે. આ સિવાય સરકારને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે.'