Gujarat Farmers: ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને આર્થિક નુકશાન ભોગવવાના વારો આવ્યો હતો. ત્યારે રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું. જો કે, હવે પાક નુકશાની ચૂકવવામાં પણ સરકારે જાણે ઠાગાતૈયા શરૂ કર્યાં છે. પરિણામે સ્થિતિ એવી સર્જાઈ છેકે, એક લાખથી વધુ ખેડૂતોને કૃષિસહા પેસહાયનો બીજો હપ્તો પણ ચૂકવાયો નથી.
કમોસમી વરસાદે ખેડૂતોના મોંઢામાંથી કોળિયો છીનવી લીધો
ગુજરાતમાં ખેડૂતોની દશા કફોડી થઈ છે કેમકે, ખેતી કરવી દિવસે દિવસે મોંઘી થઈ રહી છે. ખાતર, બિયારણથી માંડીને જંતુનાશક દવાઓ અને ખેતમજૂરી પણ મોંઘી થઇ છે. અથાગ મહેનત કર્યાં પછી પણ ખેડૂતોને ખેત ઉત્પાદનના પુરતા ભાવ મળતાં નથી. તેમાંય આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોના મોંઢામાંથી કોળિયો છીનવી લીધો હતો કેમકે, વરસાદી પાણીને લીધે ખેતરમાં ઊભા પાક ધોવાયા હતાં. પાક નુકશાનીને કારણે ખેડૂતોને આર્થિક માર પડ્યો હતો. ખેડૂત આગેવાનોનો આરોપ છેકે, રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું, પરંતુ હજુ સુધી એક લાખથી વધુ ખેડૂતો એવાં છે જેમને પહેલો અથવા બીજો હપ્તો ચૂકવાયો નથી.
આ પણ વાંચો: PSI-LRD બનવાનું સપનું લઈને દોડ્યા ઉમેદવારો, ગુજરાતમાં આજે 15 ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટ
રાજ્ય સરકારે બે હેકટરની મર્યાદામાં 44 હજાર રૂપિયા સહાય ચૂકવવા નક્કી કર્યું હતું. ત્યારે સહાય માટે હજુય ખેડૂતો રાહ જોઈને બેઠાં છે. ખેડૂતોનું કહેવુ છેકે, રાજ્ય સરકારે પાક નુકશાની તરત જ આપી દેવા વચન આપ્યુ હતું. પરંતુ બે-અઢી મહિના વિત્યા છે ત્યારે હજુ હજારો ખેડૂતો કૃષિ સહાયથી વચિંત રહ્યાં છે. નોંધનીય છે કે, રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાના કૃષિ સહાય પેકેજમાંથી ખેડૂતોને કેટલાં કરોડ રૂપિયા સહાય ચૂકવી, કેટલાં ખેડૂતો સહાયથી વંચિત રહ્યાં, કેટલી અરજીઓ નામંજૂર થઈ તે મુદ્દો કોઈ ફોડ પાડ્યો નથી.
સરકારે મગફળી લઈ લીધી પણ 35 હજાર ખેડૂતોને પૈસા ચૂકવતી નથી
રાજ્ય સરકારે ખેડૂતોને મદદરુપ થવા માટે ટેકાના ભાવે ખેત ઉત્પાદન ખરીદવાનું શરૂ કર્યુ છે. જેના ભાગરુપે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી લીધી છે. હજારો મણ મગફળીની ખરીદી થઈ ચૂકી છે. આ વાતને આજે 50 દિવસથી વધુ થવા આવ્યાં છે ત્યારે હજુ સુધી સરકારે ખેડૂતોને મગફળીના પૈસા ચૂકવ્યાં નથી. એક બાજુ લગ્ન સિઝન આવી છે ત્યારે ખુદના પાક ઉત્પાદનના પૈસા મળ્યાં નથી, જેના કારણે ખેડૂતોએ વ્યાજે પૈસા લેવા મજબૂર થવુ પડયુ હતું. ત્યારે આજે (21મી જાન્યુઆરી) દેવભૂમિ દ્વારકા કલેક્ટર કચેરીએ ખેડૂતોએ દેખાવ-વિરોધ પ્રદર્શન કરવા નક્કી કર્યુ છે કેમકે, આખાય રાજ્યમાં 35 હજારથી વધુ ખેડૂતોને મગફળીના પૈસા ચૂકવાયાં નથી.


