Gujarat Police Recruitment: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD)ની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કાનો 21મી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. ત્યારે આજે રાજ્યના 15 નિર્ધારિત ગ્રાઉન્ડ્સ પર શારીરિક ક્ષમતા કસોટી (PET) શરૂ થઈ હતી.

અમદાવાદના જે.ડી. નગરવાલા ગ્રાઉન્ડ પર વહેલી સવારથી દોડ
અમદાવાદના શાહીબાગ સ્થિત પોલીસ હેડક્વાર્ટરના જે.ડી. નગરવાલા ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારથી જ ઉમેદવારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદમાં ખાસ કરીને મહિલા ઉમેદવારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં રાજકોટ, અમરેલી, બનાસકાંઠા અને આણંદ સહિતના વિવિધ જિલ્લાઓમાંથી મહિલા ઉમેદવારો શારીરિક કસોટી આપવા માટે આવ્યા હતા.

રાજકોટમાં જૂનાગઢ અને મોરબીના ઉમેદવારોની કસોટી
રાજકોટના નિર્ધારિત કેન્દ્ર પર પણ વહેલી સવારના ઉમેદવારોની લાઈનો જોવા મળી હતી. અહીં જૂનાગઢ અને મોરબી જિલ્લાના ઉમેદવારોની શારીરિક કસોટી યોજાઈ રહી છે. ઠંડીના માહોલ વચ્ચે પણ ઉમેદવારોમાં ખાખી વર્દી મેળવવાનો જોશ જોવા મળી રહ્યો છે.
આ ભરતી અંતર્ગત ઉમેદવારોને રાજ્યના 15 નિર્ધારિત શહેરો, જિલ્લાઓ, SRP જૂથો અને તાલીમ કેન્દ્રોમાં શારીરિક ક્ષમતા કસોટી (PET) અને શારીરિક માપ કસોટી (PST) માટે 21 જાન્યુઆરીથી શરૂ થઈ હતી. પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી 11 ગ્રાઉન્ડ ખાતે 13 માર્ચ 2026 સુધી યોજાશે, જ્યારે મહિલા અને માજી સૈનિક ઉમેદવારો માટે 4 ગ્રાઉન્ડ ખાતે 21 જાન્યુઆરીથી 6 માર્ચ 2026 સુધી કસોટી યોજાશે.
કડક સુરક્ષા અને પારદર્શક પ્રક્રિયા
તમામ ગ્રાઉન્ડ પર સીસીટીવી કેમેરા અને આધુનિક ચિપ ટેકનોલોજી દ્વારા દોડની સમયમર્યાદા માપવામાં આવી રહી છે, જેથી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારો માટે પીવાનું પાણી, મેડિકલ ટીમ અને બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારો બીજા તબક્કાની લેખિત પરીક્ષા માટે પાત્ર ગણાશે. 13 માર્ચ સુધી ચાલનારી આ કસોટીમાં રાજ્યના લાખો યુવાનો પોતાના નસીબ અજમાવશે.


