GTUમાં માત્ર તારીખ બદલી ગયા વર્ષનું બેઠું પેપર પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ, NSUI-ABVPએ નોંધાવ્યો વિરોધ

GTU Exam Paper Issue: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓની ગુણવત્તા અને પારદર્શિતા પર મોટો સવાલ ઊભો થયો છે. યુનિવર્સિટી દ્વારા લેવાયેલ સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર સાતનું પેપર માત્ર તારીખ બદલીને ગયા વર્ષનું બેઠુંનું બેઠું છાપવામાં આવ્યું હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે, જેને લઈને NSUI-ABVPએ નોંધાવ્યો વિરોધ હતો.
વિદ્યાર્થી સંગઠનોનો ઉગ્ર વિરોધ
પેપરસેટર પ્રોફેસર દ્વારા ગયા વર્ષનું પેપર ઉપાડીને, ફક્ત તારીખ બદલીને ફરીથી છાપવાની આ ગંભીર ભૂલ સામે આવતાની સાથે જ વિદ્યાર્થી સંગઠનો મેદાને ઉતર્યા હતા. વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો હતો.
મોટી સંખ્યામાં વિદ્યાર્થી કાર્યકર્તાઓ અને નેતાઓએ સૂત્રોચ્ચાર સાથે GTUને બાનમાં લીધું હતું અને આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સંગઠનો દ્વારા GTUના કુલપતિને આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો 15 દિવસમાં કડક કાર્યવાહી નહીં કરાય તો આવનારા સમયમાં યુનિવર્સિટીને તાળાબંધી કરવામાં આવશે.
આ પણ વાંચો: નવી પદ્ધતિઓ સાથે દેશમાં કેટલા આતંકી જૂથો સક્રિય? ATS અને એજન્સીઓએ હાથ ધરી તપાસ
તપાસ કમિટીની રચના
આ ગંભીર બેદરકારી અંગે GTUના કુલપતિ રાજુલ ગજ્જરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 'જે પેપરને લઈને ઘટના બની છે તે ખૂબ દુઃખદ છે. આ અંગે વડી કચેરીમાં સમગ્ર રિપોર્ટ આપવામાં આવ્યો છે અને તપાસ કમિટી બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. GTU પાસે જે સત્તા હશે તેને આધારે પેપર તૈયાર કરનાર પ્રોફેસર સામે કાર્યવાહી કરવામાં આવશે.'
અગાઉ પણ આવી ઘટના બની હતી, જેમાં GTU દ્વારા કાર્યવાહી કરાઈ હતી, પણ તે પ્રોફેસરે હાઇકોર્ટમાં પડકારી હતી. જો કે, યુનિવર્સિટીની આ ગંભીર ભૂલ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને પરીક્ષાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે.

