અડાજણના એમ્બ્રોઇડરીનાં કારખાનેદારના અંગદાનથી છ જીવનમાં નવા રંગો ભળ્યા
- મ્યુનિ.ના
નિવૃત્ત કર્મચારીના પુત્ર મનીષ શાહે કોરોનાને હરાવ્યા બાદ મ્યુકોર માઇકોસિસનો ચેપ
પણ લાગ્યો હતો
સુરત :
કોરોનાની બિમારીમાં સાજા થયેલા અડાજણના વૈષ્ણવ સુરતી વિશા ખડાયતા સમાજના બ્રેઇનડેડ કારખાનેદારના ફેંફસા, કીડની,લીવર અને ચક્ષુઓના અંગદાનથી છ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે . તેમના પરિવારે અંગદાનનો નિર્ણય લઇ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.
અડાજણમાં જય અંબે મંદિર પાસે પૂજા રો-હાઉસમાં રહેતા 53 વર્ષીય મનીષ પ્રવિણચંન્દ્ર શાહ ભટાર ખાતે એમ્બ્રોઇડરી યુનિટ ચલાવતા હતા. ગત તા.16મીએ રાતે માથામાં તેમજ ડાબા હાથમાં દુઃખાવો થયા સ્થાનિક ડોકટર પાસે દવા લીધી હતી. ગત તા. 17મી સવારે તેમની તબિયત વધુ બગડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે એન્જીયોગ્રાફી કરાવતા હૃદયની ડાબી બાજુની એક નળી 100 ટકા બ્લોક તથા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ગત તા.19મીએ ડોક્ટરની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઇફના સંપર્ક બાદ બંનેના પરિવાર અંગદાન માટે સંમત થયા હતા. તેમના ફેંફસા, કિડની, લીવર અને ચક્ષુઓના દાનથી છ જીવનને નવી રોશની મળી છે.
સુરતની ખાનગી હોસ્પિટલથી કલકતાનું 1625 કિ.મીનું અંતર 190 મીનીટમાં કાપીને કલકતામાં રહેતા 46 વર્ષીય વ્યકિતમાં મનીષભાઇના ફેંફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. દાનમાં મળેલી કિડની વડોદરાના 44 વર્ષીય આધેડમાં અને બીજી કિડની અમદાવાદમાં રહેતા 29 વર્ષીય યુવાનમાં, જયારે લિવર વડોદરામાં રહેતા 21 વર્ષીય યુવકમાં અમદાવદાની ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઇ હતી. મનિષભાઇ 2020 વર્ષમાં કોરોના સંક્રમિત થયા બાદ મ્યુકોર માઇકોસીસમાં પણ સપડાયા હતા. તેમના પિતા પ્રવિણચન્દ્ર પાલિકાના નિવૃત ડ્રેનેજ એન્જીનીયર, તેમની પત્ની મોનાબેન, તેમનો પુત્ર અનુજ સુડામાં અર્બન પ્લાનર તરીકે ફરજ બજાવે છે. બીજો પુત્ર અભીએ હાલમાં માલીબા કોલેજમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.