ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોની જમીન નામે કરવા આદેશ
Primary Schools In Gujarat: ગુજરાતમાં ઘણી સરકારી પ્રાથમિક સ્કૂલોની જમીન શાળાના નામે નથી. તેથી સરકારની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO)ને પરિપત્ર કરીને તાકીદે તમામ સ્કૂલોની જમીન નામે કરાવવા માટે આદેશ કરાયો છે. ઉનાળુ વેકેશન દરમિયાન આ કામગીરી પુરી કરવા માટે સૂચના અપાઈ છે. જો કોઈ પણ સ્કૂલની જમીન નામે નહીં થઈ હોય અને ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન ઉદભવશે તો જિલ્લાના અધિકારીઓની અંગત જવાબદારી ગણાશે.
વેકેશનમાં કામગીરી પૂર્ણ કરવા તમામ ડીપીઈઓને સરકારની સૂચના
રાજ્યના કેટલાક જિલ્લામાં હજુ પણ સરકારી પ્રાથમિક સ્કૂલોની જમીન અન્યોના નામે હોવાથી અને કેટલીક સ્કૂલોમાં ગેરકાયદે દબાણ કર્યો છે. તેથી સરકાર દ્વારા તમામ ડીપીઈઓને ફરીથી પરિપત્ર કરીને તાકીદે શાળાની જમીન નામે કરવાની કામગીરી પૂર્ણ કરવા આદેશ કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ તમામ ડીપીઈઓ-શાસનાધિકારીઓને પરિપત્ર કરીને સૂચના આપી છે કે જમીન માલિકીની અદ્યતન સ્થથિની ડીપીઈઓએ અંગેત રીતે ચકાસણી કરવામાં આવે. જે સ્કૂલોની જમીન શાળાના કે સંબંધિત ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના નામે હોય તેની યાદી બનાવી જમીન ફાળવણી હુકમથી માંડી 7-12ના ઉતારા સહિતના તમામ પુરાવા સાથે ફાઈલ બનાવવાની રહેશે.
આ પણ વાંચો: એરપોર્ટ તો શરૂ પણ અમદાવાદથી શ્રીનગર, અમૃતસરની મોટાભાગની ફ્લાઇટ ખાલીખમ
સરકારી પ્રાથમિક સ્કૂલની જમીન નામે નથી અને સરકારી પડતર, ગૌચર, ગામતળ કે જંગલ વિભાગ અથવા સરકારના અન્ય કોઈ વિભાગ-સંસ્થાના નામે હોય તે જમીનમાં માલિક-કબ્જેદાર તરીકે સંબંધિત પ્રાથમિક સ્કૂલનું નામ સત્વરેદ દાખલ કરવા અરજી કરવાની રહેશે.
દાનમાં કે બક્ષિસમાં મળેલી જમીનના કેસમાં જમીન મહેસુલી દફતરે તેની યોગ્ય નોંધ થાય અને જમીન શાળાના નામે કરવા અથવા કબ્જેદાર તરીકે પ્રાથમિક સ્કૂલનું નામ દાખલ કરવાની કામગીરી કરવાની રહેશે. જો સરકારી સ્કૂલની જમીન નામે ન હોય તો મુખ્ય શિક્ષક-તાલુકા પ્રા.શિક્ષણાધિકારી દ્વારા ઉનાળુ વેકેશન દરમિયાન અરજી કરી પ્રક્રિયા થઈ છે કે નહીં તેની ખાતરી ડીપીઈઓ કરવાની રહેશે.
ભવિષ્યમાં સરકારી સ્કૂલની જમીનમાં કોઈ પણ વિવાદ કે દબાણ ન ઉદભવે તેની કાળજી રાખવા પણ આદેશ કરાયો છે.જો જમીન નામે કરવાની કાર્યવાહી નહીં થઈ હોય અને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉદભવશે તો મુખ્ય શિક્ષક, બીટ કેળવણી નિરીક્ષક, ટીપીઈઓ તથા ડીપીઈઓ સહિતના અધિકારીઓની અંગત જવાબદારી નક્કી કરવામા આવશે.