Subhash Bridge Condition In Ahmedabad : અમદાવાદનો સુભાષ બ્રિજ અચાનક બંધ થતાં શહેરના નાગરિકોમાં ચિંતા અને અસંતોષ ફેલાયો છે. બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડવાની જાણ થતાં જ AMCએ તાત્કાલિક રિપેરિંગ અને ડિટેઇલ ઇન્સ્પેક્શન માટે 4 ડિસેમ્બરથી પાંચ દિવસ માટે બ્રિજને જાહેર જનતાની અવરજવર માટે બંધ કરી દીધો છે. માત્ર બ્રિજ જ નહીં, પરંતુ તેની નીચેનો રિવરફ્રન્ટ પરનો રસ્તો પણ પોલીસે બંધ કરી દીધો છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને વૈકલ્પિક રૂટ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.
ત્રણ મહિના પહેલાંના ઇન્સ્પેક્શન સામે સવાલ
આ સમગ્ર ઘટનાએ AMC દ્વારા બ્રિજોની જાળવણી અને ઇન્સ્પેક્શનની પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, માત્ર ત્રણ મહિના પહેલાં જ આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હોવા છતાં તેમાં તિરાડ કેવી રીતે પડી? વિપક્ષી નેતાઓએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશન ઇન્સ્પેક્શનના દાવા કરે છે, પરંતુ તેના રિપોર્ટ્સ બહાર પાડવામાં આવ્યા નથી. હાઇકોર્ટના આદેશ છતાં, મોનસૂન પહેલાં અને પછીના ઇન્સ્પેક્શનના રિપોર્ટ્સ જાહેર ન થતાં સત્તાવાળાઓની કામગીરી સામે શંકા પેદા થઈ છે.
વિઝ્યુઅલ ઇન્સ્પેક્શ કરાયું હતું-વિપક્ષ
વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશન માત્ર "વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન" કરીને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. તેમના મતે, હેમરિંગ ટેસ્ટ, લોડ ટેસ્ટ, વાઇબ્રેશન ટેસ્ટ જેવા કોઈ ટેકનિકલ ટેસ્ટ કરવામાં આવ્યા નથી. જો આવા ટેસ્ટ કરાયા હોત, તો બ્રિજની આ હાલત ન થઈ હોત. વિપક્ષે તમામ 82 બ્રિજના ઇન્સ્પેક્શન રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી છે. નાગરિકોમાં પણ અસંતોષ છે કે શું વાસ્તવિક ટેક્નિકલ ચકાસણી કરવામાં આવી હતી કે નહીં. ઇન્સ્પેક્શન માટે ચોરસ મીટર દીઠ 120 રૂપિયાના ખર્ચે ચાર કંપનીઓ એક જ ભાવમાં કામ કરવા તૈયાર હતી, જે પ્રક્રિયાની પારદર્શકતા પર શંકા ઊભી કરે છે.
AMCનું રટણ: 'રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવાશે'
જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને આ સમગ્ર ઘટના અંગે સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે તેઓ વિપક્ષના આક્ષેપો કે જૂના ઇન્સ્પેક્શન રિપોર્ટની પારદર્શકતા મુદ્દે કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહીં. તેમનું સતત એક જ રટણ રહ્યું કે, "રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવાશે." આજે શુક્રવારે, તેમણે જણાવ્યું હતું કે હાલ પાંચ દિવસ માટે બ્રિજ બંધ કરાયો છે, પરંતુ રિપોર્ટના તારણ બાદ વધુ સમય માટે બંધ રાખવો કે નહીં તે અંગે નિર્ણય લેવાશે. સાથે જ તેમણે ખાતરી આપી હતી કે વાહનચાલકોને હાલાકી ન પડે તે માટે ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે.
ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર અને હાલાકી
બ્રિજ બંધ થતાં ગઈકાલે ગુરુવારે જ ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ મુદ્દે પોલીસ કમિશ્નર જી. એસ. માલિકે સ્થળની મુલાકાત લીધી હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ટ્રાફિક વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. સુભાષ બ્રિજની નીચેનો રિવરફ્રન્ટનો રસ્તો પણ બંધ કરાતાં લોકોને બેવડી હાલાકી પડી રહી છે. ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને નગરજનોને તકલીફ ન પડે તે માટે એડિશનલ ટ્રાફિક ફોર્સ તૈનાત કરાશે.
2024નો સ્ટ્રક્ચર્સ રિપોર્ટ- સુભાષ બ્રિજની દીવાલોમાં તિરાડોનો ઉલ્લેખ?
AMCના સૂત્રો મુજબ, માર્ચ 2025 પછી 16 બ્રિજ અને બે ફૂટ ઓવરબ્રિજ માટે ડિસ્ટ્રક્ટિવ અને નોન-ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ સહિત વિગતવાર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા. જોકે, સુભાષ બ્રિજ આ વિગતવાર ટેસ્ટ થયેલા પુલોની યાદીમાં સામેલ હતો કે કેમ, તે અંગે કોઈ સ્પષ્ટ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી. એક રિપોર્ટ મુજબ, 2024માં 69 સ્ટ્રક્ચર્સના પ્રારંભિક રિપોર્ટના આધારે જાળવણી શરુ કરવામાં આવી હતી, જેમાં 'સુભાષ બ્રિજ' પણ દીવાલોમાં તિરાડો ધરાવતા પુલોની યાદીમાં સામેલ હતો.
બેદરકારીનું પુનરાવર્તન? રિપોર્ટ જાહેર કરે AMC
વિશાલા બ્રિજનું ઉદાહરણ તાજું છે, જેને 15 મહિનાના સમારકામ બાદ ફરીથી હેવી વાહનો માટે બંધ કરવો પડ્યો હતો. હવે સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની ઘટનાએ સવાલ ઊભો કર્યો છે કે શું આ અમદાવાદના બ્રિજોની જાળવણીમાં થઈ રહેલી વહીવટી અને ટેકનિકલ બેદરકારીનું પ્રતિબિંબ તો નથી ને? નગરજનો અને વિપક્ષની માંગ છે કે કોર્પોરેશન તાત્કાલિક તમામ બ્રિજોના ઇન્સ્પેક્શન રિપોર્ટ જાહેર કરે અને બ્રિજની ગુણવત્તા ચકાસણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
ઉલ્લેખનીય છે કે વડોદરાની ગંભીરા બ્રિજની ઘટના બાદ AMC કમિશ્નરે 15 વર્ષથી વધુ જૂના તમામ પુલોના વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનનો આદેશ આપ્યો હતો, જેમાં સુભાષ બ્રિજનો પણ સમાવેશ થતો હતો.


