VIDEO: જામનગરમાં યોજાઈ મોદક ખાવાની સ્પર્ધા, જાણો મહિલા અને પુરુષોમાં કોણે બાજી મારી
Jamnagar News : જામનગર શહેરમાં બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા સતત 17મા વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વખતે 59 સ્પર્ધકો જોડાયા હતા. બાળકો, બહેનો અને ભાઈઓની ત્રણ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
59 સ્પર્ધકોએ લીધો ભાગ
જામનગરની સંસ્થા બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા દર વખતની જેમ આ વર્ષે પણ ઓપન સૌરાષ્ટ્ર લાડુ આરોગવાની મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત ખંભાળિયા, પોરબંદર, રાજકોટ સહિતના 59 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
સ્પર્ધામાં ભાગ લેનારા પ્રત્યેક સ્પર્ધકને 100 ગ્રામનો એક લાડુ તથા દાળ પીરસવામાં આવ્યા હતા. જેમાં ઘઉંનો લોટ, દેશી ગોળ, જાયફળ, ખસખસ, તથા ડ્રાયફ્રૂટ્સ તથા શુદ્ધ ઘી વગેરેનું મિશ્રણ કરીને લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા.
કોણ-કોણ વિજેતા બન્યું
લાડુ સ્પર્ધા બાળકો, બહેનો અને ભાઈઓ એમ ત્રણ વિભાગમાં યોજાઈ હતી. જેમાં બાળકોના વિભાગમાં નકશ હરેશભાઈ હિંડોચા ચાર લાડુ સાથે પ્રથમ સ્થાને વિજેતા બન્યા હતા, જ્યારે રીશીત વિપુલભાઈ આચાર્ય સાડા ત્રણ લાડુ સાથે બીજા સ્થાને, અને વ્યોમ ધવલભાઈ વ્યાસ અઢી લાડુ સાથે ત્રીજા સ્થાને વિજેતા બન્યા છે.
આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફ બાદ અમેરિકામાં પડદા, બેડશીટ્સ અને તૈયાર કપડાની નિકાસ આજથી બંધ
બહેનોના વિભાગમાં પદ્મિનીબેન ગજેરા 7 લાડુ સાથે પ્રથમ સ્થાને, પ્રેમિલાબહેન વોરા સાડા છ લાડુ સાથે દ્વિતીય સ્થાને, અને જાગૃતીબહેન હરણીયા સાડા પાંચ લાડુ સાથે તૃતીય સ્થાને વિજેતા બન્યા છે. ભાઈઓના વિભાગમાં નવીનભાઈ હમીરભાઈ મકવાણા 9 લાડુ સાથે પ્રથમ સ્થાને વિજેતા બન્યા છે, તે જ રીતે જેઠાભાઈ ગોવિંદભાઈ રાઠોડ 8 લાડુ સાથે બીજા સ્થાને અને શૈલેષભાઈ ગોવિંદભાઈ વૈષ્ણવ 6 લાડુ સાથે ત્રીજા સ્થાને વિજેતા બન્યા છે. તમામ વિજેતા સ્પર્ધકોને રોકડ પુરષ્કાર, મોમેન્ટ વગેરે આપીને પુરસ્કૃત કરાયા હતા. સંસ્થાના પ્રમુખ આનંદભાઈ દવે અને તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી.