Get The App

ગુજરાતની 40289 સરકારી સ્કૂલોમાંથી માત્ર 524 સ્કૂલોને જ A+ ગ્રેડ, સરકારનો શું છે દાવો?

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતની 40289 સરકારી સ્કૂલોમાંથી માત્ર 524 સ્કૂલોને જ A+ ગ્રેડ, સરકારનો શું છે દાવો? 1 - image


Gujarat Education: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે GCERT દ્વારા ગુણોત્સવ 2.0 (સ્કૂલ એક્રેડિટેશન)-2024-25નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુણોત્સવ-2.0માં ગુજરાતની પ્રાથમિક અને હાઈસ્કૂલ મળી કુલ 40,289 સરકારી શાળાઓમાંથી માત્ર 524 શાળાઓને જ A+ ગ્રેડ પ્રાપ્ત થયો છે. પરંતુ સતત મોનિટરિંગના લીધે માત્ર એક જ વર્ષમાં A+ અને A ગ્રેડમાં શાળાઓની સંખ્યા 2971થી વધી 9388 એ પહોંચતા ગુણવત્તા વધી હોવાનો શિક્ષણ વિભાગે દાવો કર્યો છે. પ્રાથમિક અને આશ્રમ શાળાઓની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ A ગ્રેડમાં 94 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે A ગ્રેડમાં માત્ર 1919 શાળાઓ હતી જે આ વર્ષે વધીને 4,442 થઈ છે. 

આ પણ વાંચોઃ જામનગરમાં 33 ગેરકાયદે દબાણો દૂર કરવા ડિમોલેશનની કાર્યવાહી, 66,000 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાશે

A+ ગ્રેડ ધરાવતી 524 શાળા

રાજ્યની સરકારી શાળાઓની ગુણવત્તા ચકાસવા માટે છેલ્લા ઘણાં વર્ષોથી ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગુણોત્સવ લાગુ કર્યાના 10 વર્ષ બાદ મૂલ્યાંકનના નવા ફેરફાર સાથે ગુણોત્સવ 2.0 લૉન્ચ કરવામાં આવ્યું હતું. ગુણોત્સવ 2.0ના પ્રથમ વર્ષે ગુજરાતમાં A+ ગ્રેડ ધરાવતી શાળાઓની સંખ્યા માત્ર 14 જ નોંધાઈ હતી. ત્યારબાદ છેલ્લાં કેટલાંક વર્ષોથી વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોનેટરિંગ અને નવી પદ્ધતિઓના મૂલ્યાંકનના લીધે શાળાઓમાં ગુણવત્તા વધી હોવાનો સરકાર દ્વારા દાવો કરાઈ રહ્યો છે. જે અન્વયે ચાલુ વર્ષે જાહેર થયેલાં પરિણામ મુજબ રાજ્યની 40,289 શાળાઓમાંથી A+ ગ્રેડમાં માત્ર 524 શાળાઓ આવી છે, જે ગત વર્ષની સરખામણીએ 111નો વધારો થયો છે. કુલ 524 શાળાઓમાં 383 પ્રાથમિક અને આશ્રમ શાળાઓ છે તેમજ 141 માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા છે. ગત વર્ષે એ પ્લસ ગ્રેડમાં 413 શાળા જ હતી.

આ પણ વાંચોઃ દાહોદ મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીની શક્યતા, ગરીબ મજૂરોના જોબ કાર્ડના આધારે લાખોની કટકી

પ્રાથમિક અને આશ્રમ શાળાઓના પરિણામ પર નજર કરવામાં આવે તો A ગ્રેડમાં 4,442 શાળાઓ આવી છે, જે ગત વર્ષે માત્ર 1616 જ શાળાઓ હતી. આવી જ રીતે B ગ્રેડમાં આ વર્ષે 29,982, C ગ્રેડમાં 1327 અને D ગ્રેડમાં 102 શાળાઓનો સમાવેશ થયો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી કુલ 7092 શાળાઓમાંથી A-ગ્રેડમાં 1422, B-ગ્રેડમાં 4999, C ગ્રેડમાં 530 અને D ગ્રેડમાં માત્ર 3 જ શાળાઓનો સમાવેશ થયો છે.

Tags :