Gujarat

શેઠની શીખામણ ઝાંપા સુધી... અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે

By GS TEAM
25 May 20262 mins read
TukuTouch Logo
ઈંધણની કટોકટી વચ્ચે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા વારંવાર લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની અપીલ કરાઈ રહી છે. પરંતુ પેટ્રોલ-ડીઝલ બચાવવાની આ સલાહ લોકોએ જાણે એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખી હોય તેવી સ્થિતિ જોવા મળે છે. પીએમની અપીલના દસ દિવસ બાદ પણ અમદાવાદમાં એએમટીએસ બસ, બીઆરટીએસ અને મેટ્રો રેલ જેવા જાહેર પરિવહનોમાં મુસાફરોની સંખ્યા સમ ખાવા પૂરતી પણ વધી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

શેઠની શીખામણ ઝાંપા સુધી... અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે

Ahmedabad Public Transport: ઈંધણની કટોકટી વચ્ચે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા વારંવાર લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની અપીલ કરાઈ રહી છે. પરંતુ પેટ્રોલ-ડીઝલ બચાવવાની આ સલાહ લોકોએ જાણે એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખી હોય તેવી સ્થિતિ જોવા મળે છે. પીએમની અપીલના દસ દિવસ બાદ પણ અમદાવાદમાં એએમટીએસ બસ, બીઆરટીએસ અને મેટ્રો રેલ જેવા જાહેર પરિવહનોમાં મુસાફરોની સંખ્યા સમ ખાવા પૂરતી પણ વધી નથી.

ગરમી અને રજાઓના લીધે મુસાફરોની સંખ્યા ઘટી

ભૂરાજકીય તણાવના લીધે ઈંધણની કટોકટી સર્જાતા સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ બચાવવા લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ અપાઈ રહી છે. પરંતુ સરકારની આ અપીલની અત્યાર સુધી કોઈ અસર જોવા મળતી નથી. મેટ્રો રેલમાં તો સમય વધારીને રાત્રિના 11 વાગ્યા સુધી કરી દેવાયો છે. પરંતુ એએમટીએસ અને મેટ્રો રેલના સૂત્રોના જણાવ્યાનુસાર, છેલ્લાં દસેક દિવસમાં સિટી બસ અને મેટ્રો રેલમાં મુસાફરોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. ઉલટાનું ગરમી અને રજાઓના લીધે બંનેમાં મુસાફરોની સંખ્યા હાલ ઘટી ગઈ છે.

આ પણ વાંચો: ગુજરાત-મુંબઈના વેપારીઓને લૂંટતી ગેંગનો પર્દાફાશ: નકલી આંગડિયા કર્મી બની ઠગાઈ કરતા ભેજાબાજ ભુજથી ઝડપાયા

નોકરી-ધંધા કે અભ્યાસ માટે નીકળતા લોકોમાંથી 80 ટકાથી વધુ દ્વારા પોતાના ખાનગી વાહનોનો જ ઉપયોગ

બીજી બાજુ બીઆરટીએસમાં દૈનિક 1.90 લાખ મુસાફરો સામે છેલ્લાં દસેક દિવસમાં રોજ એક હજાર મુસાફરો વધ્યા હોવાનો દાવો કરાયો છે. હાલ એએમટીએસ બસ, બીઆરટીએસ અને મેટ્રો રેલ ત્રણેયમાં દૈનિક કુલ 8.80 લાખ લોકો મુસાફરી કરે છે. આમ અમદાવાદની વસતી સામે માંડ 11થી 12 ટકા લોકો જાહેર પરિવહનમાં મુસાફરી કરે છે. તેમાં પણ મોટાભાગના લોકો ઈચ્છાથી નહીં પરંતુ મજબૂરીમાં સિટી બસમાં મુસાફરી કરે છે. કેબ કે ટેક્સીમાં પણ સુરક્ષાને ધ્યાને રાખી મોટા ભાગના લોકો રાઈડ શેરિંગ કરવાનું ટાળી રહ્યા છે. શહેરમાં ટુવ્હીલર તો ઠીક કાર લઈને એકલા નીકળતા લોકોની સંખ્યા પણ ઓછી થઈ નથી. નોકરી-ધંધા કે અભ્યાસ માટે નીકળતા કુલ લોકોમાંથી 80 ટકા દ્વારા પોતાના ખાનગી વાહનોનો જ ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે.

કયા જાહેર પરિવહનમાં દૈનિક કેટલાક મુસાફરો?

• એએમટીએસ: 5.30 લાખ

• બીઆરટીએસ: 1.90 લાખ

• મેટ્રો રેલ: 1.60 લાખ

ધારાસભ્યો, સાંસદો, અધિકારીઓમાંથી કોઈએ જાહેર પરિવહનનો ઉપયોગ કર્યો નહીં

કરકસર કરવાની શેઠની શીખામણ અહીં તો ઝાંપા સુધી પણ ચાલી નથી. અમદાવાદ શહેરના સાંસદો, ધારાસભ્યો, કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓ, મ્યુનિસિપલના અધિકારીઓ, રાષ્ટ્રીય પક્ષના કાર્યકરો કોઈ હાલ જાહેર પરિવહનમાં મુસાફરી કરી રહ્યા નથી. બધા રાબેતા મુજબ છૂટથી એકલા જ ઘરેથી કાર લઈને નીકળે છે. જાહેર પરિવહન તો ઠીક તેઓ કાર પૂલિંગ કરવાની પણ તસ્દી લેતા નથી.