Get The App

ઓનલાઈન પેમેન્ટનો બોગસ સ્ક્રીન શોટ બતાવીને છેતરપિંડી

Updated: Apr 10th, 2025

GS TEAM

Google News
Google News
ઓનલાઈન પેમેન્ટનો બોગસ સ્ક્રીન શોટ બતાવીને છેતરપિંડી 1 - image

વડોદરાઃ ઓનલાઈન પેમેન્ટની બોલબાલા વધી ગઈ છે અને તેની સાથે ઓનલાઈન પેમેન્ટના નામે ભેજાબાજો દ્વારા અલગ અલગ રીતે છેતરપિંડીના કિસ્સા પણ વધવા માંડયા છે.

વડોદરાના વડસર વિસ્તારમાં સાયકલ અને ઈલેક્ટ્રિક સાયકલનો શો રુમ ચલાવતા વેપારી કમલ દલાલે પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ આપી છે.તેમનું કહેવું છે કે, તા.૮ એપ્રિલના રોજ એક વ્યક્તિ સાયકલ ખરીદવા આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ વિશાલ પટેલ તરીકે આપી હતી.તેણે એક સાયકલ ખરીદી હતી અને તેણે કહ્યું હતું કે મારો ભાઈ એનઈએફટી દ્વારા તમને ૧૪૮૦૦ રુપિયા ચૂકવશે.થોડી મિનિટો બાદ તેણે આઈસીઆઈસીઆઈ બેન્કમાં અમારા એકાઉન્ટમાં પેમેન્ટ જમા થયું હોવાનો સ્ક્રીનશોટ બતાવ્યો હતા.આથી મેં તેને સાયકલ લઈને જવા દીધો હતો.જતા જતા તેણે કહ્યું હતું કે હું સાંજે ફરી મારા દીકરા માટે બીજી સાયકલ લેવા આવીશ ત્યારે તમે બંને સાયકલનું બિલ બનાવજો.કમલ દલાલના જણાવ્યા પ્રમાણે એનઈએફટી થકી બે કલાકમાં પેમેન્ટ એકાઉન્ટમાં જમા થઈ જતું હોય છે પરંતુ સાંજ સુધી પૈસા પણ જમા નહોતા થયા અને આ વ્યક્તિ ફરી શો રુમ પર આવ્યો પણ નહોતો.તેનો મોબાઈલ પણ સતત બંધ આવી રહ્યો હતો.અમે બેન્કમાં તપાસ કરી ત્યારે બેન્કના અધિકારીએ કહ્યું હતું કે, આ સ્ક્રીનશોટ બોગસ હોઈ શકે છે.તમારી સાથે છેતરપિંડી થઈ હોય તેમ લાગે છે.એ પછી તા.૯ એપ્રિલના રોજ મેં પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ આપી હતી.

બીજા વેપારી ના છેતરાય તે માટે ફરિયાદ કરી 

શો રુમના માલિક કમલ દલાલનું કહેવું છે કે વારંવાર પ્રયાસો કર્યા પછી પણ સાયકલ લઈ જનારનો મોબાઈલ બંધ આવી રહ્યો છે.તેનો મોબાઈલ નંબર પણ અન્ય કોઈ નામે જ રજિસ્ટર્ડ છે.મેં તો સ્ક્રીનશોટ જોઈને વિશ્વાસ મૂકયો હતો અને પૈસા ગુમાવ્યા છે  પરંતુ બીજા વેપારીઓ પણ આ રીતે ના છેતરાય તે માટે મેં પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ આપી છે.

Tags :