Updated: Mar 18th, 2023
રાજકોટમાં નવા નાલા-રસ્તા પહેલા હયાતને દબાણમુક્ત કરવાની જરૂર : જમીન સંપાદન,ડિમોલીશન કરી જંગી ખર્ચે ડો.દસ્તુર માર્ગ ટ્રાફિક માટે પહોળો કર્યો,પછી 'વહીવટ 'કરીને ફૂડ વાનને મંજુરી વગર આપી દીધો! : સરદારનગરના રહેવાસીઓનો વારંવાર વિરોધ છતાં મનપા મંજુરી વગર ચાલતા ફૂડ ઝોન પ્રતિ શંકાજનક આંખ મિચામણાં
રાજકોટ,: રાજકોટ મહાપાલિકાના શાસકોએ આજે સરદારનગર નાલાને સમાંતર ડો.દસ્તુર માર્ગની સામે એ.વી.પી.ટી.ની દિવાલ સામે નવું નાલુ રૂ।. 2.80 કરોડના ખર્ચે બનાવવા રેલવેએ મંજુરી આપી દીધાની ગૌરવભેર જાહેરાત કરીને આનાથી રસ્તો પણ પહોળો થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે તેવો દાવો સાંસદથી માંડીને મેયર,ચેરમેન, વગેરેએ કર્યો છે. પરંતુ, આ ભવિષ્યની વાત સામે વર્તમાનની દસ્તુરમાર્ગની સ્થિતિને સરખાવતા દસ્તુર માર્ગ જેમ વાહનોની અવરજવર માટે પહોળો કર્યો અને ત્યાં ખુદ ભાજપે નામંજુર કરવા છતાં રાત્રિ બજાર અનધિકૃત રીતે ધમધમે છે તેનું નવા નાલા,નવા રસ્તામાં પણ પુનરાવર્તન થવાની ભીતિ આ વિસ્તારના રહેવાસીઓએ વ્યક્ત કરી છે.
વિગત એવી છે કે મનપાએ ઉત્સાહપૂર્વક આ નાલા માટે ગત વર્ષના બજેટમાં જોગવાઈ કરી અને ચાલુ વર્ષે તેને રિપીટ કરી છે. ગત તા. 17ના રેલવે સાથે સંકલન મીટીંગ બાદ રેલવેએ 2.5 મીટરની ઉંચાઈનો (ટુ વ્હીલર,કાર પસાર થઈ શકે એટલી,ટ્રક બસો નહીં) ૪-૪ મીટર પહોળા આવવા જવાના બે નાલા બનાવવા રેલવે તંત્રએ પ્રાથમિક મંજુરી આપી છે. મનપાએ આજે જાહેર કર્યા પ્રમાણે નાલા સાથે સરકાર હસ્તકની જમીન સંપાદિત કરીને રસ્તો પણ પહોળો કરાશે. પ્રથમ નજરે આ યોજના આવકાર્ય છે.
પરંતુ, આવી જ સુંદર વાતો કરીને આ જ મનપાએ અગાઉ ડો.દસ્તુર માર્ગ ઉપર ડિમોલીશન કરીને,જમીન સંપાદિત કરીને જંગી ખર્ચે રસ્તો પહોળો તો કરી દીધો હતો. એટલું જ નહીં, ત્યાં ફૂડ વાનનું દબાણ થવા લાગતા તેને રેગ્યુલરાઈઝ્ડ કરવા બાદમાં ત્યાં ફૂડઝોનની તત્કાલીન કમિશનર દ્વારા જાહેરાત થતા લોકોનો ઉગ્ર વિરોધ ઉઠતા ભાજપના જ શાસકોએ ત્યાં ફૂડઝોન નામંજુર કરી દીધો હતો.
આમ છતાં ત્યારથી આજ સુધી રોજ સાંજે અહીં દોઢ ડઝન ફૂડવાન રસ્તા ઉપર ઉભી રહે છે અને મનપાના ખાતા નાણાં વસુલીને આંખ મિચામણાં કરે છે. ત્યાં જૈન ઉપાશ્રય ના સાધકો અને લોકોની શાંતિમાં ભંગ થતા ધારાસભ્ય ડો.દર્શિતા શાહએ કરેલી રજૂઆત બાદ આ દબાણને મર્યાદિત કરાયું પણ દૂર કરાયું નથી.
યાજ્ઞિકરોડ, સરદારનગર, ટાગોર રોડ પર ટ્રાફિક જામ,પાર્કિંગ પ્રશ્ને માથાકૂટ રોજિંદી છે ત્યારે વાહનો દસ્તુર માર્ગ પર પાર્ક થઈ શકે અને વાહન વ્યવહાર સુગમતાથી ચાલે તેવી વ્યવસ્થાની જરૂર હતી. આ વ્યવસ્થા કરાઈ પણ ખરી. પે એન્ડ પાર્ક મંજુર કરાયું પરંતુ, પછી કોઈ શંકાસ્પદ વહીવટ કરીને ત્યાં ફૂડ વાનને 'અનધિકૃત મંજુરી 'લાંબા સમયથી અપાઈ છે. હવે નવા નાલા, નવા રસ્તાની વાત કરનાર શાસકોને આ વિસ્તારના રહેવાસીઓએ પહેલા આ રોડ જે હેતુ માટે બનાવ્યો તેને સાર્થક કરીને ફૂડઝોનનું સ્થળાંતર કરવા માંગણી કરી રહ્યા છે. રસ્તાની વધતી પહોળાઈ વાહનો ચલાવવા,પાર્ક કરવા મળે તે શહેરની જરૂરિયાત છે.