Get The App

નાનપુરા માછીવાડના હોડી મહોલ્લામાં: છેડતી અંગે પોલીસ અરજીની અદાવતમાં સામસામે ચપ્પુથી હુમલામાં એકનું મોત

બે ને ગંભીર ઇજાઃ મૃતક અને તેના ભાઇ વિરૂધ્ધ પોલીસમાં છેડતીના મુદ્દે અરજી કરી હતી તેની અદાવતમાં હુમલો, અગાઉ પણ ઝઘડો થયો હતો

Updated: Jul 20th, 2020

GS TEAM

Google News
Google News

સુરત તા. 20 જુલાઇ 2020 સોમવાર

નાનપુરા માછીવાડના હોડી મહોલ્લામાં દોઢ માસ અગાઉ છોકરીની છેડતીના મુદ્દે થયેલા ઝઘડાની અદાવતમાં ગત રાત્રે બે મિત્રો પર પાંચથી છ જણાએ ચપ્પુ સહિતના ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં સામ-સામે થયેલી મારામારીમાં એક યુવાનનું મોત નીપજયું હતું જયારે બે ને ગંભીર ઇજા થતા પોલીસે સામ-સામે ફરિયાદ નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

નાનપુરા માછીવાડના હોડી મહોલ્લોમાં ઘર નં. 1/2385માં રહેતા વિપુલ ઉર્ફે વિપુલ માછી જશવંત ખેરાવાલા અને તેના ભાઇ સંદીપ ઉર્ફે બાડો ખેરાવાલાએ દોઢ મહિના અગાઉ મહોલ્લાની છોકરીની છેડતી કરી હતી. આ મુદ્દે મહોલ્લાના રહેવાસીઓએ વિપુલ અને સંદીપને ઠપકો આપ્યો હતો અને પોલીસમાં અરજી પણ કરી હતી. આ અદાવતમાં ગત રાત્રે 10.30 વાગ્યાના અરસામાં સંદીપ ઉર્ફે બાડો (ઉ.વ.31) અને તેનો મિત્ર હિરેન નરેશ બાબરીયા (ઉ.વ. 26 રહે. સપના એપાર્ટમેન્ટ, એલ.પી. સવાણી સર્કલ નજીક, અડાજણ) હોડી મહોલ્લામાં બેઠા હતા. 

ત્યારે ઉમંગ ભગવાનભાઇ, અરૂણ ઉર્ફે બોબડો ઇશ્વર ભાવનગરી, મેહુલ ઉર્ફે ગબ્બર, નિરંજન મુળશંકર ભીમપોરીયા (ઉ.વ. 48 રહે. ઘર નં.1/2326 હોડી મહોલ્લો, માછીવાડ, નાનપુરા), અરૂણ બોબડાનો ભાણેજ ભુરી અને હેની તથા મેહુલ સહિત છથી સાત જણા ચપ્પુ જેવા ઘાતક હથિયાર સાથે ઘસી આવ્યા હતા. આ તમામે સંદીપ અને હિરેનને ઘેરી લઇ તેમની પર હુમલો કર્યો હતો. સંદીપ અને હિરેને સ્વબચાવમાં વળતો હુમલો કર્યો હતો. સામ-સામે થયેલી મારામારીમાં ચપ્પુ વડે સંદીપને પેટ, છાતી પીઠ, જાંઘના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જયારે હિરેન અને નિરંજનને છાતીમાં ચપ્પુ વડે ઘુસાડી દેતા તેઓ પણ લોહીલુહાણ થઇ ગયા હતા. 

ઘટનાને પગલે મહોલ્લાવાસીઓ એકઠા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં સંદીપ ઉર્ફે બાડોને મૃત જાહેર કર્યા હતા. જયારે હિરેન અને નિરંજન હાલ સારવાર હેઠળ છે. ઘટનાને પગલે અઠવાલાઇન્સ પોલીસ દોડતી થઇ ગઇ હતી. વિપુલ ઉમંગ, મેહુલ ગબ્બર, નિરંજન, અરૂણ, ભુરી અને હેની વિરૂધ્ધ ભાઇ સંદીપની હત્યાનો અને નિરંજન ભીમપોરીયાએ સંદીપ અને હિરેન વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ પણ સંદીપ અને તેના ભાઇ વિપુલની સાથે મહોલ્લાવાસીઓનો ઝઘડો થયો હતો અને તેઓ બે મહિના અગાઉ અડાજણ એલ.પી. સવાણી સ્કુલ નજીર રહેવા ચાલ્યા ગયા હતા. 

Tags :