વડોદરા: જરોદ પાસેની કંપનીમાં ધ્વજ વંદન દરમિયાન કરંટ લાગતા એકનું મોત
વડોદરા, તા. 27 જાન્યુઆરી 2020 સોમવાર
વાઘોડિયા તાલુકાના જરોદ ગામ પાસે આવેલી એલેમ્બિક કંપનીના પ્લાન્ટમાં ગઈકાલે સવારે ધ્વજવંદન કરાવવા માટે રોલિંગ સીડી લઈને ત્રણ કામદારો જતા હતા ત્યારે રોલિંગ સીડી વીજ વાયરને અડી જતા અચાનક ત્રણેય કામદારોને કરંટ લાગ્યો હતો.
આ ઘટનામાં કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મહેશ રમણલાલ ઠાકોર ઉંમર વર્ષ 50નું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે કામદારોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
મૃતકના પરિવારજનોએ કંપની પાસે વળતરની માગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે કંપનીએ બાંહેધરી આપતા આખરે પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કરી કાયદેસરની કાર્યવાહી કરવા મંજૂરી આપી હતી.