વડોદરા,હરણી લેકઝોન પાસે બે કાર સામસામે અથડાતા એક કાર ચાલકનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું.જે અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમા સાવલી રોડ મધુરમ રેસિડેન્સીમાં રહેતા શિવાજીભાઇ મહિપતીભાઇ જાદવ (ઉં.વ.૫૮) ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. આજે સવારે કાર લઇને ઘરેથી નીકળી ગોલ્ડન ચોકડી નજીક આવેલી તેમની ઓફિસે જતા હતા.હરણી લેકઝોન નજીક સામેથી આવતી કાર સાથે અકસ્માત થતા કારની એરબેગ ખૂલી ગઇ હતી. એરબેગ ખૂલી ગયા પછી ફાટી જતા તેઓને મોંઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા જડબુ ફાટી ગયું હતું. તેઓનું સ્થળ પર કમકમાટીભર્યુ મોત થયું હતું. પોલીસે અન્ય કારના ચાલક મુકેશભાઇ સુરેશભાઇ અગ્રવાલ (રહે. ઉદય પાર્ક સોસાયટી,પંચવટી, ગોરવા) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોનું જણાવવું છે કે, અકસ્માત કરનાર કારચાલક મુકેશ અગ્રવાલ શાકભાજીનો વેપાર કરે છે. તે સવારે એ.પી.એમ.સી. માર્કેટ ગયા હતા અને ત્યાંથી પરત આવતા સમયે અકસ્માત થયો હતો.


