Gujarat

ટ્રેક્ટર રોડ સાઈડના ઝાડના થડિયાને અથડાતા એકનું મોત, 3 લોકો ઘાયલ

By GS Team
15 Dec 20252 mins read
ટ્રેક્ટર રોડ સાઈડના ઝાડના થડિયાને અથડાતા એકનું મોત, 3 લોકો ઘાયલ

- મહેમદાવાદના રીછોલ ગામની સીમમાં અકસ્માત 

- ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા, પોલીસે અકસ્માતની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી 

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના રીછોલ ગામની સીમમાં શનિવારે સવારે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે પસાર થતું ટ્રેક્ટર રોડ સાઈડની ગટરમાં ઉતરી ઝાડના થડિયાને અથડાતા થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મહેમદાવાદના રીછોલ ગામનો રહેવાસી નિલેશ પ્રભાત પરમાર ટ્રેક્ટરની ટ્રોલીમાં ભઠ્ઠાથી ભરેલી ઈંટો વાઠવાડી ગામે ખાલી કરીને પરત ફરી રહ્યો હતો. તે સમયે ટ્રેક્ટરમાં માલિક રેખાબેન ઠાકોરભાઈ ઘેલાભાઈ વણજારા (ઉ. ૩૨, રહે. રીછોલ) તેમજ સિહુંજ ગામનો સંજયભાઈ સાથે બેઠા હતા. માર્ગમાં રીછોલ ગામના કમલેશ વિનુભાઈ પરમારને ટ્રેક્ટરમાં બેસાડવામાં આવ્યો હતો. રસ્તામાં કમલેશ પરમારે ટ્રેક્ટર ચલાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ચાલક નિલેશ પરમારે તેને નકારી કાઢી હતી. તેમ છતાં, રીછોલ ગામની સીમમાં પહોંચતાં કમલેશે અચાનક ટ્રેક્ટરનું સ્ટીયરિંગ પકડી લેતા ચાલકનો કાબૂ છૂટી ગયો હતો. પરિણામે ટ્રેક્ટર સીધું રોડની ગટરમાં ઉતરી ઝાડના થડિયાને અથડાયું હતું. અકસ્માત દરમિયાન ટ્રેક્ટર પરથી ઉછળી પડેલા કમલેશ વિનુભાઈ પરમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ટ્રેક્ટર ચાલક નિલેશ પરમાર, માલિક રેખાબેન વણજારા તથા સંજયભાઈને નાની-મોટી ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહેમદાવાદ પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેક્ટર રોડ સાઈડના ઝાડના થડિયાને અથડાતા એકનું મોત, 3 લોકો ઘાયલ | Gujarat Samachar