અંકલેશ્વરના પાનોલી પાસેના હાઈવે પર હિટ એન્ડ રન, ફરજ પરના ટ્રાફિક પોલીસકર્મીનું કરુણ મોત

Hit-and-Run In Ankleshwar: અંકલેશ્વર નજીક આવેલા પાનોલી વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-48) પર ફરજ બજાવી રહેલા એક ટ્રાફિક પોલીસકર્મીનું હિટ એન્ડ રનની ગંભીર ઘટનામાં મોત નિપજ્યું છે. ફરજ પર હાજર એક જવાનનું આ રીતે અકાળે મોત થતાં તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. આ દુઃખદ ઘટનાને કારણે પોલીસ બેડામાં અને વિસ્તારના લોકોમાં ગમગીની છવાઈ ગઈ છે.
કેવી રીતે અકસ્માત સર્જાયો?
મળતી માહિતી અનુસાર, મૃતક પોલીસકર્મીની ઓળખ વિવેકસિંહ ડાભી તરીકે થઈ છે, જે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હતા. વિવેકસિંહ ડાભી NH-48 પર પાનોલી નજીક ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અતિ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે પોલીસકર્મી વિવેકસિંહ ડાભીને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર બેફામ ડમ્પરનો કહેર, બાઈકને ટક્કર મારતાં એકનું મોત
ચાલક ફરાર, પોલીસની તપાસ શરૂ
પોલીસને જાણ થતાં જ પાનોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ટક્કર માર્યા બાદ અજાણ્યા વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાથી પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો છે. પોલીસે મૃતક પોલીસકર્મીના મૃતદેહનો કબજો મેળવી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સીસીટીવી ફૂટેજની તપાસ
ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટે પાનોલી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માત સર્જનાર વાહનની શોધખોળ માટે અલગ-અલગ ટીમોને કામે લગાડવામાં આવી છે.