અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર બેફામ ડમ્પરનો કહેર, બાઈકને ટક્કર મારતાં એકનું મોત

Accident in Ahmedabad: અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આજે (17મી ઓક્ટોબર) બેફામ ડમ્પર ચાલકે વધુ એકનો જીવ લીધો છે. ડમ્પરચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલો અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ચાલકને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
ઈજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો
મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર બની હતી. ફુલ સ્પીડમાં આવી રહેલા ડમ્પર ચાલકે બાઈકચાલકને અડફેટે લીધો હતો, જેના કારણે બાઈક પર સવાર બે શ્રમિકો રોડ પર પટકાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના રસ્તા પરથી પસાર થતા લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
આ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે હાઈવે પરના સીસીટીવી ફૂટેજની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બેફામ ડમ્પર ચાલકોને કારણે હાઈવે પર અકસ્માતોની સંખ્યા વધી રહી હોવાની ફરિયાદો વચ્ચે આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતીના નિયમોના કડક અમલની જરૂરિયાત ઊભી કરી છે.