દ્વારકામાં ફિશિંગ લાયસન્સનું કરોડોનું કૌભાંડ: બોગસ બિલના આધારે જૂની બોટનું રજીસ્ટ્રેશન કરતા 145 વિરુદ્ધ ગુનો નોંધાયો
Devbhoomi Dwarka News : ગુજરાતના દેવભૂમિ દ્વારકામાંથી બોગસ બિલને આધારે બોટના રજીસ્ટ્રેશન કરાવવા મામલે કરોડોના કૌભાંડનો SOGએ પર્દાફાશ કર્યો છે. બોગસ બિલ રજૂ કરી જૂની માછીમારી બોટનું રજીસ્ટ્રેશન, કોલ લાયસન્સ મેળવવાના કૌભાંડને લઈને પોલીસ દ્વારા 4 એજન્ટ સહિત કુલ 145 શખ્સો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ 18 જૂન, 2025ના રોજ ફરિયાદ નોંધાયા બાદ SOGએ સઘન તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે SPએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી.
4 એજન્ટ-48 માછીમારો સહિત કુલ 54 ઝડપાયા
SPએ જણાવ્યું હતું કે, 'રૂપેણ, ઓખા, સલાયા સહિતના વિવિધ માછીમારો જૂની બોટ પર અમુક એજન્ટ મારફતે ખોટા બિલ રજૂ કરીને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ માંથી ફિશિંગ માટેનું લાયસન્સ મેળવતા હતા. સમગ્ર કૌભાંડમાં પોલીસે 4 એજન્ટ, 2 પેઢી સંચાલક, 48 માછીમારો સહિત 54 થી લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.'
SOGએ 3 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો
અગાઉ 18 જૂન, 2025ના રોજ દેવભૂમિ દ્વારકા SOGએ બોગસ બિલ રજૂ કરીને જૂની બોટનું રજીસ્ટ્રેશન, કોલ લાયસન્સ મેળવવા મામલે અંદાજીત 3 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં 93 બોટનું રજીસ્ટ્રેશન થયું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે શાફીન ભટ્ટી, સુનિલ નિમાવત સહિત કુલ 11 શખ્સોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: 12 થી 17 જુલાઈ સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા-કયા ત્રાટકશે મેઘરાજા
મળતી માહિતી પ્રમાણે, કુલ 145 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લા પોલીસે બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા તેમજ ભાવનગર જિલ્લામાંથી પણ અનેક આરોપીઓ ઝડપી પાડ્યા છે. ભાવનગર નિવૃત્ત GMB સુપ્રિટેન્ડેન્ટ તરુણ રાજપુરા સહિત 145 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.