સુરત પાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં ફરી એક વખત નવરાત્રીના આયોજન માટે ઓફર મંગાવવામાં આવી
Surat Navratri : સુરતમાં રમત ગમતને પ્રોત્સાહન માટે બનાવવામાં આવેલા ઈન્ડોર સ્ટેડિયમના ગરબા અને મનોરંજનનાનો ઉપયોગ થતાં સ્ટેડિયમના ફ્લોરીંગને નુકસાન થયું હતું. ત્યારબાદ પાલિકાએ અન્ય રીપેરીંગ સાથે દસેક વર્ષ પહેલાં અંદાજે 30 કરોડના ખર્ચે સ્ટેડિયમનું રિનોવેશન કર્યું હતું. ત્યારે નવરાત્રી માટે સ્ટેડિયમ નહી આપવા નિર્ણય કર્યો હતો. પરંતુ યુ ટર્ન લઈને ફરી નવરાત્રી માટે ઈન્ડોર સ્ટેડિયમ ભાડે આપવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ સુરત પાલિકાએ ગરબાનું આયોજન કરતી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની પાસે નવરાત્રી દરમિયાન ઈન્ડોર સ્ટેડિયમ ભાડે આપવા માટેની ઓફર મંગાવી છે.
એક સમયે નવરાત્રી માટે સ્ટેટસ સિમ્બોલ ગણાતું ઈન્ડોર સ્ટેડિયમ નવરાત્રી દરમિયાન મોટી રકમમાં ભાડે જતું હતું. વર્ષ 2008-2009 ના વર્ષોમાં ઇન્ડોર સ્ટેડિયમમાં મહત્તમ 1 કરોડ સુધીની ઓફર આવી હતી. જોકે, આ સ્ટેડિયમનો ઉપયોગ સ્પોર્ટ બદલે મનોરંજન માટે સૌથી વધુ થતો હતો. તેના કારણે સ્ટેડિયમના ફ્લોરીંગને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત પાલિકાએ સ્ટેડિયમમાં અન્ય રીપેરીંગ કાઢીને વર્ષ 2013માં 30 કરોડના ખર્ચે રીનોવેશન કર્યું હતું. ત્યારબાદ સ્પોર્ટ્સની ઈવેન્ટ શરૂ થઈ ગઈ હતી. અને ત્યાર બાદ ફરીથી ગરબા માટે આપવાનું શરુ કર્યું હતું.
આ વર્ષે પણ સુરત પાલિકાએ ઈન્ડોર સ્ટેડિયમને ભાડે આપવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે. પાલિકાએ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની પાસે ઓફર મંગાવી છે તે ઓફર પાલિકાને મળ્યા બાદ પાલિકા ઈન્ડોર સ્ટેડિયમ નવરાત્રી માટે કેટલા રૂપિયામાં ભાડે આપશે તે ખબર પડશે.