Surat News: આજના યુગમાં બાળકોથી લઈ યુવાઓના મોબાઈલની લત લાગી છે. સતત મોબાઈલમાં વળગી રહેતા યુવાનો માટે સુરતથી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલ મોટી છીપવાડ ખાતે રહેતા અને જરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાણા પરિવારની 20 વર્ષીય દીકરીએ મોબાઈલની લતના કારણે આત્મહત્યા કરી હતી. મૃતક યુવતીના પરિવારે જણાવ્યું કે,'તે કહેતી કે, મને ગૂગલ દેખાય છે, ગૂગલ ખાવાનું ના પાડે છે, ગૂગલ કહે છે મરી જા. જો એને મંદિર લઈ જાય તો ત્યાં પણ મોબાઈલ દેખાતો હતો.'
યુવતી પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવ્યો
મળતી માહિતી અનુસાર, સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ મોટી છીપવાડમાં રહેતા નરેન્દ્રભાઈ રાણાની 20 વર્ષીય દીકરીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પરિવારના જણાવ્યાનુસાર, '20 વર્ષીય વિશાખા ઘણા સમયથી મોબાઈલનું વ્યસન ધરાવતી હતી. જ્યાં મોબાઈલમાં ગૂગલ પર ફેસ એક્સસાઈઝ કરી રહી હતી. ત્યારે તેણીનું મોઢું વળી જતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેણીની સારવાર ચાલી રહી હતી. પરંતુ તેણીના સ્વાસ્થ્યમાં કોઈ સુધાર નહી આવતા છેલ્લા બે મહિનાથી માનસિક વિભાગના તબીબ પાસે તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. છેલ્લા એક માસથી તેની પાસેથી મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો હતો. ઘરમાં એકલી હતી ત્યારે યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.'
પોલીસે તપાસ શરૂ કરી
સુરતની અઠવા પોલીસે યુવતીના આપઘાત કેસ મામલે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે આપઘાત કેસમાં પરિવારજનોના નીવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


