આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના
રાજ્યના 207 ડેમમાંથી 96 ડેમ હાઈએલર્ટ પર જ્યારે 25 ડેમ એલર્ટ પર રખાયા
Updated: Aug 15th, 2023
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદે હવે ખમૈયા કરી છે. ત્યારે ફરીવાર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવનાઓ છે
હવામાન વિભાગની આગાહી અનુસાર, સુરત,નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદ વરસી શકે છે. આ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ મહેસાણા અને ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ,ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને પોરબંદરમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની સંભાવના પણ છે.
207 જળાશયોમાં 74 ટકા પાણીનો જથ્થો
રાજ્યના 207 જળાશયોમાં 74 ટકા પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73.48 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.33 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.25 ટકા, કચ્છના 20 જળાશયોમાં 65.57 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.85 ટકા અને સરદાર સરોવરમાં 77.47 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યના 207 ડેમમાં હાલ 74.31 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં 96 ડેમ હાઈએલર્ટ, 25 ડેમ એલર્ટ અને 14 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે.