Get The App

અમદાવાદમાં સેલ્સમેનની નજર ચૂકવી મહિલાએ કરી વીંટીની ચોરી, સીસીટીવી કેમેરામાં કેદ થઇ ઘટના

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં સેલ્સમેનની નજર ચૂકવી મહિલાએ કરી વીંટીની ચોરી, સીસીટીવી કેમેરામાં કેદ થઇ ઘટના 1 - image


Ahmedabad Crime News: અમદાવાદમાં સતત બીજા અઠવાડિયે શોરૂમમાંથી મહિલા દ્વારા ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ગોતા વિસ્તારના એક જ્વેલર્સની દુકાન નિશાન બની છે. પોલીસ ફરિયાદ મુજબ, આશરે 50 વર્ષની એક અજાણી મહિલા ગ્રાહક ખરીદીના બહાને આવી હતી અને તેણે ચાલાકીપૂર્વક કર્મચારીઓની નજર ચૂકવીને સોનાની વીંટીની ચોરી કરી હતી. આ ચોરીનો સમગ્ર બનાવ જ્વેલર્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે, જેના આધારે શોરૂમના સેલ્સમેને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સેલ્સમેનની નજર ચૂકવી મહિલાએ વીંટી ચોરી

સેલ્સમેનની ફરિયાદ મુજબ, આ ચોરીની ઘટના ગત તારીખ 28-11-2025ના રોજ બપોરે આશરે 12.45 વાગ્યે બની હતી. આ સમયે લગભગ 50 વર્ષની એક અજાણી મહિલા ગ્રાહક લગ્નપ્રસંગ માટે સોનાની વીંટીઓ અને બુટ્ટીઓ ખરીદવાના બહાને શોરૂમમાં આવી હતી. શોરૂમના કર્મચારી અશ્વિનભાઈ પ્રજાપતિએ તેમને વિવિધ ડિઝાઇનના દાગીના બતાવ્યા હતા. મહિલાએ તેમાંથી પાંચ વીંટી અને એક બુટ્ટી પસંદ કરીને અલગ મુકાવી હતી. આ પસંદગી દરમિયાન જ મહિલાએ નજર ચૂકવીને વીંટીની ચોરી કરી હતી.

પસંદગી ચાલી રહી હતી તે દરમિયાન જ, અજાણી સ્ત્રીએ ચાલાકીપૂર્વક કર્મચારી અશ્વિન પ્રજાપતિની નજર ચૂકવીને ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કર્યા બાદ તેણે એટીએમમાંથી પૈસા ઉપાડીને તરત પાછા આવવાનું બહાનું કર્યું હતું અને શોરૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. જોકે, તે સ્ત્રી પાછી ફરી નહોતી, અને તેનું રહેઠાણ ક્યાં છે તે અંગેની કોઈ માહિતી શોરૂમના સ્ટાફ પાસે નથી.

સ્ટોક ચેક કરતાં ચોરી થયાની જાણ થઈ

જ્યારે વિપુલભાઈ જોષી અને સ્ટાફે ઘરેણાંનું સ્ટોક પત્રક તપાસ્યું, ત્યારે ચોરીની હકીકત સામે આવી. સ્ટોક ચેક કરતાં, 6.440 ગ્રામ વજનની 'ઓમ'ની ડિઝાઇનવાળી સોનાની એક વીંટી ઓછી જણાતા ચોરી થઈ હોવાનું નિશ્ચિત થયું, જેની કિંમત આશરે રૂપિયા 90,000  છે. આ ઘટની જાણ થતાં જ શોરૂમના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ખરીદી કરવા આવેલી તે મહિલાએ પસંદ કરેલી બે વીંટીઓ હાથમાં લીધી હતી, જેમાંથી એક વીંટી લઈને તે ચાલાકીપૂર્વક બહાર નીકળી ગઈ હતી.

Tags :