કડક સજાના અભાવે ગુજરાતમાં ભેળસેળિયા બેફામ: 5 વર્ષમાં 4669 ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ
Food Adulteration in Gujarat: ગુજરાતમાં નકલી ઘી, પનીર, દૂધ સહિત અન્ય ખાદ્યપદાર્થનો મોટાપાયે વેપલો ધમધમી રહ્યો છે. માનવ સ્વાસ્થય માટે હાનિકારક ખાદ્યપદાર્થો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે, ત્યારે ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગ દરોડા પાડીને સંતોષ મેળવી રહ્યું છે. પરંતુ કડક શિક્ષાત્મક કાર્યવાહીની જોગવાઈના અભાવે ભેળસેળિયાઓને સરકાર-તંત્રનો જાણે ડર રહ્યો નથી. કેન્દ્ર સરકારના એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં 4669 ખાદ્યપદાર્થોના નમૂના અપ્રમાણિત રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
ભેળસેળને રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ
રાજ્યમાં ભેળસેળિયા તત્ત્વો બેફામ બન્યા છે. શુદ્ધ ઘીમાં વનસ્પતિ ઘી, દૂધમાં પાણી, મધમાં ખાંડ, કોફીમાં ખજૂરના બી સહિત અન્ય ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થ બીમારીઓને નોતરું આપે છે. માનવ સ્વાસ્થ્ય માટે જોખમી હોવા છતાંય સરકારની ઢીલી નીતિને લીધે ગુજરાતમાં ભેળસેળને રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે.
ખુદ રાજ્ય ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગના આંકડા પર નજર નાંખીએ તો વર્ષ 2023-24માં જ 34,891 કિલો અશુદ્ધ ધી પકડાયું હતું. દૂધ-દૂધની બનાવટોનો 1.07 લાખ કિલો જથ્થો સીઝ કરાયો હતો. 1.95 લાખ ભેળસેળયુક્ત મસાલા, 10 હજાર કિલો ફરસાણ, 38,047 કિલો તેલનો જથ્થો પકડાયો હતો. ટૂંકમાં 3.85 લાખ કિલો અખાદ્ય પદાર્થ પકડાયા હતા, જેની કિંમત 8,03,83,832 રૂપિયા પહોંચી જાય છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે, ગુજરાતમાં મોટાપાયે ખાદ્યપદાર્થમાં ભેળસેળ થઈ રહી છે.
આ પણ વાંચો: સરકારે અંતે સેવન્થ ડે સ્કૂલને બીયુ પરમિશન સહિતના તમામ પુરાવા રજૂ કરવા આદેશ કર્યો
ભેળસેળિયા તત્ત્વોને સરકાર કે તંત્રનો જરાય ડર નથી
મહત્ત્વની વાત એછે કે, ફૂડ ઍન્ડ ડ્રગ્સ દરોડા પાડીને શંકાસ્પદ ખાદ્યપદાર્થના નમૂના વડોદરા સ્થિત લેબોરેટરીમાં મોકલે છે. પરંતુ જ્યાં સુધી લેબનો સુધી તો હજારો લોકો નકલી ઘી, દૂધ, પનીર, મિઠાઈ સહિત શંકાસ્પદ ખાદ્ય પદાર્થો આરોગી ચૂક્યા હોય છે. રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસે સ્થળ પર ખાદ્ય પદાર્થ ચકાસવાના સાધનો જ નથી. આ ઉપરાંત ખાદ્યપદાર્થના નમૂના અપ્રમાણિત સાબિત થાય તો પણ ભેળસેળિયાઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની કાયદામાં કોઈ જોગવાઈ જ નથી. માત્ર દંડ ફટકારીને રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સંતોષ માણી લે છે. આ કારણોસર ભેળસેળિયા તત્ત્વોને સરકાર કે તંત્રનો જરાય ડર રહ્યો નથી.
કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં શંકાસ્પદ ખાદ્યપદાર્થના 69.737 નમૂના લેવાયા હતા તે પૈકી 4669 નમૂના ફેલ થયા હતા. ભેળસેળ કરવા ગુના બદલ 4217 કેસોમાં દંડ ફટકારવામાં આવ્યો હતો. ગુજરાતમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ વધી રહી છે ત્યારે ખુદ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે તેમ છતાંય સરકારના પેટનું પાણી હાલતું નથી.