સરકારે અંતે સેવન્થ ડે સ્કૂલને બીયુ પરમિશન સહિતના તમામ પુરાવા રજૂ કરવા આદેશ કર્યો
Seventh Day School: સેન્વથ ડે સ્કૂલના ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાના 10 દિવસ થવા આવ્યા ત્યારે હજુ સુધી સ્કૂલ સામે સરકાર તરફથી થનારી કાર્યવાહી અનિર્ણિત હોવાથી અંતે સ્કૂલ સામે કાર્યવાહી કરવા માટે સ્કૂલ પાસેથી બીયુ પરમિશન -સ્કૂલ માન્યતા સહિતના તમામ પુરાવા માંગવામાં આવ્યા છે. સરકાર પાસે હાલ સ્કૂલ સંબંધિત કોઈ પણ માહિતી ન હોવાથી સરકારની સૂચનાને પગલે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને એક જ દિવસમાં તમામ વિગતો આધારા-પુરાવા સાથે રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
સેવન્થ ડે સ્કૂલને ડીઈઓ દ્વારા નોટિસ અને કાર્યવાહી
સેવન્થ ડે સ્કૂલને અગાઉ અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા બે વાર શો કોઝ નોટિસ અપાઈ હતી અને જેમાં છેલ્લે માન્યતા-એનઓસી રદ કેમ ન કરવી તેની શો કોઝ નોટિસ સામે સ્કૂલ મેનેજમેન્ટના સભ્યોએ ડીઈઓને રૂબરૂ મળી ખુલાસો કર્યો હતો. જોકે ડીઈઓ દ્વારા માન્ય રખાયો ન હતો અને સ્કૂલ મેનેજમેન્ટને આચાર્ય-બેજવાબદાર સ્ટાફને છુટા કરવા આદેશ કરાયો હતો. ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી હોવાથી અને એબીવીપી, એનએસયુઆઈથી માંડી વિવિધ સંગઠનો તેમજ સ્થાનિકો, વાલીઓમાં ભારે આક્રોશ અને વિરોધ છે તેમજ વેપારી મહામંડળ પણ એક દિવસનો બંધ પાળી આ મુદ્દે વિરોધ રજૂ કર્યો છે.
સરકારની કાર્યવાહી: સેવન્થ ડે સ્કૂલ પાસેથી માહિતી અને દસ્તાવેજોની માંગ
જેને પગલે સરકારે સ્કૂલ સામે કાર્યવાહી કરવી પડે તેમ હોઈ પરંતુ સરકાર પાસે કાર્યવાહી કરતા પહેલા સ્કૂલ સંબંધીત જરૂરી માહિતી-વિગતો ઉપલબ્ધ ન હોવાથી ડીઈઓને તમામ આધાર-પુરાવા માંગવા સૂચના અપાઈ હતી, જેને પગલે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને Sour પરિપત્ર કરીને બીયુ પરમિશન, સરકારની એનઓસી, આઈસીએસઈ એફિલિએશન, વિદ્યાર્થી સંખ્યા-શિક્ષક પગાર સહિતની તમામ માહિતી પુરાવ સાથે માંગવામાં આવી છે. સ્કૂલને 29મીએ આ તમામ માહિતી રજૂ કરવા કડક આદેશ કરાયો છે. જ્યારે બીજી બાજુ અગાઉ ડીઈઓ દ્વારા અપાયેલા આદેશને પગલે આચાર્ય અને સિક્યુરિટી-એડિમિનિસ્ટ્રેટિવ સ્ટાફને છુટા કરવા પ્રક્રિયા શરુ કરાઈ છે, તેમજ થોડા દિવસમાં નવા આચાર્ય પણ નિમાઈ શકે છે.
વધુ 40 સાથે 110 વાલીની પ્રવેશ રદ કરવા અરજીઃ 32 વિદ્યાર્થી ટ્રાન્સફર
સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને વાલીઓમાં ડર પણ ફેલાયો છે ત્યારે અનેક વાલીઓ પોતાના સંતાનોને હવે સેવન્થ ડે સ્કૂલમાં ભણાવવા માંગતા નથી. અગાઉ 70 વાલીએ પ્રવેશ રદ કરવા અરજી કર્યા બાદ વધુ 40 વાલીઓએ પ્રવેશ રદ્ કરાવવા માટે ડીઈઓના અધિકારીઓને અરજી આપી છે. આમ કુલ 110 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવા માટે અરજીઓ આવી છે. જેમાંથી 32 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે અને જેઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. આ બાળકોના એલસી કાઢવાની તેમજ ટ્રાન્સફર સર્ટિફિકેટની પ્રક્રિયા ચાલી રહી છે. અંદાજે પૂર્વની 10થી 12 સ્કૂલોમાં બાળકોના પ્રવેશ ટ્રાન્સફર થશે.
સ્કૂલ પાસે આ વિગતો મંગાઈ
- સ્કૂલની ધો.1થી12ની મંજૂરીના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ
- વર્ગ વધારો હોય તેની પ્રમાણિત નકલ
- આસીએસઈ બોર્ડ સાથે જોડાણ મેળવવા ગુજરાત સરકારની મેળવેલ એનઓસીની નકલ
- સ્કૂલનું બીયુ પરમિશન અને રજા ચિઠ્ઠી
- સ્કૂલ મકાન તેમજ રમત ગમત મેદાનની માલિકી કે ભાડા કરારની પ્રમાણિત નકલ
- સ્કૂલના મકાનના તમામ ફ્લોરવાઈઝ સમક્ષ સત્તામંડળે માન્ય કરેલા નકશા
- સ્કૂલનું ટ્રસ્ટ ડીડ
- શાળાના પીટીઆરની નકલ
આ પણ વાંચો: કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો પણ હવે ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો પરિવારને મળશે 14 લાખની સહાય
- એસીએસઈ બોર્ડ સાથેનું એફિલિએશન સર્ટિફિકેટ
- સ્કૂલના તમામ બિલ્ડીંગની ફાયર એનઓસી
- સ્કૂલમાં ચાલતા તમામ ધોરણોની વર્ગવાર વિદ્યાર્થી સંખ્યા
- સ્કૂલના શિક્ષકોની લાયકાત સાથેની યાદી
- શિક્ષકોના પગારની એકાઉન્ટ નંબર સાથેની વિગતો
- સ્કૂલ કેમ્પસમાં ચાલતી કોલેજોની માન્યતાના આધારો
- કેમ્પસમાં આવેલ કોલેજની માન્યતા માટે આસીએસઈ બોર્ડ કે ગુજરાત બોર્ડ પાસેથી એનઓસી લીધી હતી કે નહીં.