અમદાવાદમાં રથયાત્રાના રૂટમાં કોઈ ફેરફાર નહીં થાય, કાલુપુર પાસે એક દિવસ માટે ખોલાશે ડાયવર્ઝન
Ahmedabad Jagannath Rath Yatra 2025 : અમદાવાદ દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રથયાત્રાના રૂટમાં ફેરફારને લઇને મંદિર ટ્રસ્ટ, અમદાવાદ મહાનગરપાલિકા, મેટ્રો રેલ અને પોલીસ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. જોકે હવે આ વિવાદનો અંત આવી ગયો છે. કાલુપુર પાસે ડાયવર્ઝનને એક દિવસ માટે ખોલવામાં આવશે. જેથી હવે રથયાત્રાના રૂટમાં કોઇ ફેરફાર થશે નહીં, રથયાત્રા પરંપરાગત રૂટ પરથી જ પસાર થશે.
હાલમાં કાલુપુર રેલવે સ્ટેશન નજીક નવા ફ્લાયઓવરનું બાંધકામ ચાલી રહ્યું છે. જેની સ્થળ મુલાકાત બાદ રથયાત્રાનો પ્રસ્તાવિત રૂટ પાંચકુવા દરવાજાથી કાલુપુર રેલવે સ્ટેશન તરફ જશે. કાલુપુર રેલવે સ્ટેશનની સામેની તરફના રોડ (કાલુપુરથી સારંગપુર જવાનો રસ્તો) પર ખસેડવામાં આવશે અને ફરીથી રેલવે વર્ક પિયર નંબર 24થી મોતી મહેલ રેસ્ટોરન્ટ તરફ જશે. રથયાત્રા નિયત રૂટ પરથી સરળતાથી નીકળી શકે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ અને એજન્સીએ આ પ્રમાણે કામગીરી કરવાની રહેશે.
આ પણ વાંચો: ચંડોળામાં ડિમોલિશનનો બીજો દિવસ : નાના-મોટા 9 ધાર્મિક સ્થળો તોડી પાડવાની કામગીરી શરૂ, સજ્જડ બંદોબસ્ત
અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશને શું કરવાનું રહેશે?
1. રથયાત્રાના દિવસ માટે રસ્તામાં પડેલા પથ્થર ખસેડી લેવા અને રેલિંગ હટાવી લેવાની રહેશે.
2. બે મોટા વૃક્ષો કાપવાના રહેશે.
3. રથને સરળતાથી હંકારવા માટે બિટ્યુમિનસ મટિરિયલ વડે રોડનું પેચવર્ક કરવાનું રહેશે.
પોલીસની શું જવાબદારી રહેશે?
1. પોલીસે રથયાત્રાના રૂટની જાહેરાત કરવાની રહેશે.
2. ફક્ત રથયાત્રાના દિવસ માટે નકશા મુજબ રોડ ડાયવર્ઝન ખોલવા માટે પરવાનગી અને સંકલન કરવાનું રહેશે.
3. નક્કી કરેલા રૂટ મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે.
DRAIPLની કામગીરી શું રહેશે?
1. રથયાત્રાના દિવસે ટ્રાફિક અવરોધો દૂર કરવાના રહેશે.
2. રથયાત્રાના અંદરના રૂટના રસ્તાની સફાઇ અને સામગ્રી ખસેડવાની રહેશે.
3. જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાંથી રથયાત્રા સરળતાથી પસાર થઇ શકે તે સુનિશ્વિત કરવાની જવાબદારી રહેશે.
4. રથયાત્રાના દિવસ જરૂરી સ્ટાફ ગોઠવવાનો રહેશે.
1869થી અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત
અમદાવાદના જગન્નાથજી મંદિરમાં જગન્નાથપુરી મંદિરની જેમ તમામ પૂજા-વિધિઓ થતી હતી. 1869થી અમદાવાદમાં રથયાત્રા નિકળવાની શરૂઆત થઈ હતી. ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભાઈઓ કે જેઓ નૃસિંહદાસજીના ભક્તો હતા તેમણે મોટાપાયા પર નીકળનારી રથયાત્રાની તૈયારીના પ્રારંભને લઇને નારિયેળના ઝાડના લાકડામાંથી ત્રણ રથ તૈયાર કરી અમદાવાદ પહોંચાડી દીધા હતા. પછી અષાઢ સુદ બીજના દિવસથી શરૂ થયેલી આ પરંપરા અત્યાર સુધી અખંડ રહી છે એટલે ભગવાનના રથ ખેંચવાનું કાર્ય ખલાસ ભાઈઓ જ કરે છે.
એક જમાનામાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી
1947 પહેલાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જમાલપુર નિજ મંદિરેથી નીકળીને કેલિકો મીલ થઈ ગીતા મંદિરના રસ્તાથી રાયપુર, ખાડિયા, કાલુપુર પુલ પર થઈ સરસપુર પહોંચતી અને ત્યાં દર્શનાર્થીઓ ભોજન જમીને થોડો વિરામ લેતા હતા. થોડો સમય વિરામ કર્યા બાદ માનવ મહેરાણની વચ્ચે રથયાત્રા પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દરિયાપુર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહપુર દરવાજા, દિલ્હી ચકલા, ઘી કાંટા એટલે એ જમાનામાં આવેલ કૃષ્ણ સિનેમા (રિલીફ રોડ પર આવેલા આ સ્થળે અત્યારે મોબાઇલ બજાર આવેલું છે)થી આગળ થઈને રતનપોળમાં પ્રવેશ કરતી હતી. રતનપોળના નાકેથી ફુવારા, ચાંદલાઓળ, સાંકડી શેરી, રાયપુર ગેટ, રાયપુર દરવાજા, ગીતા મંદિર થઈ સાંજે નિજ મંદિરે પરત ફરતી હતી. એક જમાનામાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી તેમ કહીએ તો કોઇપણ વ્યક્તિ આ વાત માનશે નહીં પરંતુ તે હકીકત છે.
આઝાદી પહેલાં અખાડાના યુવાનો રથયાત્રામાં તિરંગા લહેરાવતા
અમદાવાદની રથયાત્રાનો ઈતિહાસ ઘણો રોચક છે. અંગ્રેજના સમયમાં વ્યાયામ પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રીય ચેતના જગાવવામાં આવતી હતી. જુદા-જુદા અખાડાઓના યુવાનો પોતાના ઉસ્તાદોના માર્ગદર્શન હેઠળ રથયાત્રામાં ત્રિરંગા લહેરાવતા હતા. 1946ની રથયાત્રા સમયે માનવતાની રક્ષા માટે વસંતરાવ અને તેમના સાથી મિત્ર રજબ અલીએ આત્મબલિદાન આપ્યું હતું.