Get The App

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા 1 - image

Dahod News: દાહોદ જિલ્લાની દેવગઢ બારીઆમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હકીકતમાં નગરપાલિકામાં માત્ર સાત મહિનાના ટૂંકા ગાળામાં ભાજપ શાસિત પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ અપક્ષના આઠ સભ્યો દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. 

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા 2 - image

અપક્ષ સભ્યોનો આરોપ

અપક્ષ સભ્યોએ આરોપ લગાવ્યો છે કે, દેવગઢ બારીઆમાં પાયાની પ્રાથમિક સુવિધા જેવી કે, પાણી, સફાઈ અને રસ્તાના કામો સમયસર નથી થતા. જેના કારણે રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પાયાની સુવિધાઓ ન મળતા વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઑફિસર સમક્ષ ધર્મેશ કલાલ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જોકે, ધર્મેશ કલાલે વિપક્ષના આરોપોને નકારી દીધા છે અને કહ્યું કે, કેટલાક સભ્યોના ગેરવાજબી અને નિયમ વિરુદ્ધ કામો ન થતાં હોવાના કારણે તેમણે આ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા 3 - image

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા 4 - image

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા 5 - image

આ પણ વાંચોઃ ગુજરાતમાં 2 લાખમાં PTCની સીટોનો વેપલો, ઉચ્ચ અધિકારીઓ સુધી પૈસા પહોંચતા હોવાનો ટ્રસ્ટીનો દાવો

15 દિવસમાં સભા બોલાવવાનો ચીફ ઓફિસરનો આદેશ

સમગ્ર બાબતે ચીફ ઓફિસર વૈશાલી નીનામાએ જણાવ્યું કે, બુધવારે સાંજે 7-8 લોકો દ્વારા પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત આપવામાં આવી હતી. ત્યાર બાદ અમે પ્રમુખને 15 દિવસમાં સભા બોલાવવા માટે જાણ કરી છે. જોકે, આ મુદ્દે પ્રમુખે અવિશ્વાસની દરખાસ્તમાં અમુક સભ્યોની સહી પર અસંમતિ દર્શાવી છે. આ મુદ્દે પ્રમુખ દ્વારા અમને લેટર આપવામાં આવ્યો છે, જેને લઈને અમે તપાસ હાથ ધરી છે. હાલ પ્રમુખને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જો પંદર દિવસમાં સભા બોલાવી તે સભ્યોના મત જીતશે તો પોતાના પદ પર જળવાઈ રહેશે.  

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા 6 - image

શું છે અવિશ્વાસના પ્રસ્તાવના નિયમો? 

પાલિકાના નિયમો અનુસાર, આ દરખાસ્ત પસાર કરવા માટે કુલ સભ્યોના બે-તૃતીયાંશ (2/3) સભ્યોનું સમર્થન મેળવવું ફરજિયાત છે. ચીફ ઑફિસર દ્વારા આગામી 15 દિવસમાં આ દરખાસ્ત પર ચર્ચા કરવા માટે વિશેષ સામાન્ય સભા બોલાવવા માટે પ્રમુખને જાણ કરવામાં આવી છે. આ દરખાસ્ત હવે ભાજપની આંતરિક એકતા અને અપક્ષ સભ્યોના વલણની કસોટી કરશે.

આ પણ વાંચોઃ સુરત સ્ટેશન પર ઊભી રહેશે 62 ટ્રેનો, દિવાળી-છઠ પૂજાની ભીડને જોતાં રેલવેનો નિર્ણય; જુઓ લિસ્ટ

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા 7 - image

ધર્મેશ કલાલે કર્યો સ્વબચાવ

પોતાના પર લાગેલા આરોપો પર પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલે કહ્યું કે, 'અપક્ષ દ્વારા જે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે અને તેમાં દર્શાવેલા કારણો તમામ પાયાવિહોણા છે. તેમાં કોઈ જ તથ્ય નથી અને મારી પાસે બધા પુરાવા રૅકોર્ડમાં છે. કારણ કે, સામાન્ય સભા પહેલાં દિવસથી જ વીડિયોગ્રાફીથી યોજવામાં આવી છે, જે પુરાવો છે કે મેં કોઈ જગ્યાએ મારી મનમાની નથી કરી. આ અવિશ્વાસની દરખાસ્તનો પર્દાફાશ હું ટૂંક સમયમાં કરીશ. મારા પર અમુક લોકો દ્વારા જે દબાણ કરવામાં આવી રહ્યું છે, તેનો હું ખુલાસો કરીશ. જો મને કોઈ દબાણ કરીને પરેશાન કરવા ઇચ્છે છે તો હું તેમનાથી નથી ડરતો અને આવી ધમકીથી હું ડરીશ પણ નહીં.'