Get The App

અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, 'જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું'

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, 'જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું' 1 - image



Bhil Samaj Caste Certificate Protest: અમદાવાદના અસારવા ખાતે ગુજરાતના 15 જેટલા જિલ્લાઓમાંથી આવેલા ભીલ સમાજના આગેવાનોએ એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં સમાજને જાતિના દાખલા મેળવવામાં થતી મુશ્કેલીઓ અંગે એકસૂરમાં હુંકાર ભરવામાં આવ્યો હતો. આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીંં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરીને ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

1950 પહેલાના પુરાવા તાત્કાલિક ધોરણે રદ થવા જોઈએ

ભીલ સમાજના પ્રમુખે સરકાર સમક્ષ સમાજની મુખ્ય ચિંતાઓ અને માંગણીઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, જણાવ્યું કે, સરકાર દ્વારા જાતિના દાખલા માટે 1950 પહેલાના પુરાવા માંગવામાં આવે છે. જે તાત્કાલિક ધોરણે રદ થવા જોઈએ. શહેર વિસ્તારમાં રહેતા લોકો આટલા જૂના પુરાવા ક્યાંથી લાવે? આ પદ્ધતિના કારણે 'ખોટો પૂજાય છે અને સાચો મૂંઝાય' તેવી સ્થિતિ ઊભી થઈ છે. 


અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, 'જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું' 2 - image

ભીલ સમાજ દ્વારા ચૂંટણીના બહિષ્કારની ચીમકી

જે લોકો ખોટા દાખલા લઈને બેઠા છે તે અધિકારીઓ બની ગયા છે, જ્યારે ખરેખર હકદાર લોકો વંચિત રહી જાય છે. પહેલા લોહીની સગાઇના સંબંધોના આધારે દાખલા મળતા હતા, તે પદ્ધતિ પુનઃસ્થાપિત થવી જોઈએ. ગયા વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂબરૂ મળવા બોલાવી નિકાલ લાવવાની વાત કરી હોવા છતાં આજદિન સુધી સમય આપવામાં આવ્યો નથી. આથી, હવે ભીલ સમાજ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને આગામી દિવસોમાં ગાંધીનગર છાવણી ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરાશે.

તેમણે જણાવ્યું કે આદિવાસી ભીલ સમાજના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળતા સરકારી લાભો, જેમ કે પ્રિશિપ કાર્ડ અને શિષ્યવૃત્તિ મળતા નથી. તાત્કાલિક ધોરણે આ લાભો શરૂ કરવામાં આવે. ગાંધીનગર ખાતે બિરસામુંડા ભવનમાં રચાયેલી વિશ્લેષણ સમિતિને તાત્કાલિક રદ્દ થાય. 

ભીલ સમાજની મુખ્ય માંગણીઓ અને સમાજ સુધારણાના મુદ્દા

(1) જાતિના દાખલા માટે 1950ના પુરાવાને બદલે મકાન દસ્તાવેજ કે બાપ-દાદાના અન્ય પુરાવા માન્ય રાખવાની અપીલ કરીએ છીએ. આમ છતાં જો સરકાર હાલની પદ્ધતિ નહીંં બદલે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આ ઉપરાંત આદિવાસી મોરચાના સભ્યોને સામાજિક કાર્યોમાં બોલાવવા નહીંં. જો જાતિના દાખલાના પ્રશ્નોનો ઉકેલ ના આવે, તો આગામી ચૂંટણીમાં દરેક ગામમાં ચૂંટણી બહિષ્કાર માટે બેનર લગાવવા. 

(2) સરકાર દ્વારા મળતી શિષ્યવૃતિને બંધ કરવામાં આવી છે તેને પુનઃચાલુ કરવા સરકારને રજૂઆત કરીએ છીએ. 

(3) સરકારી ભરતીઓમાં પણ આપણને અન્યાય કરવામાં આવે છે. એક કેડરની ટકાવારીમાં અને બીજી ભરતીમાં પણ આપણા લોકોની ભરતી થઈ શકતી નથી. તે સરકાર એક સમિતિની રચના કરવી અને જે અહેવાલ પેડિંગ છે તેનો અમલ કરવો.

(4) બરડા ગીર વસતા ખોટા આદિવાસીના દાખલા આપ્યા છે, તે અહેવાલ સરકાર અમલ કરે અને સમાજને ન્યાય આપે.

(5) લગ્ન માં ડી.જે વગાડવું નહીંં અને જો ડી.જે. વગાડે તો જાન તોરણે લેવી નહીંં. સામાજિક બહિષ્કાર પણ કરવો. રૂ. 51000/- દંડ તરીકે જે તે ગામોએ લઈ, ધર્માદામાં નાખવા. લગ્ન પછી અણવર પ્રથા બંધ કરવી. કોઈએ અણવર તરીકે જવું નહીં અને મોકલવા નહીં.

(6) મરણમાં બારમું અને બટુક ભોજન બંધ કરાય છે. જો ખાય તો ગાય-કૂતરા ખાવા બરાબર ગણાશે. મરણમાં ઓટામણી લાવવી નહીં અને ઓછામાં ઓછા ફરજિયાત 20/- લખાવવા. 

(7) શ્રીમંતમાં ફક્ત 10 મહિલાઓ એ જવું. ડી.જે. કોઈએ ઉપયોગ કરવો નહીં, માત્ર ઢોલ વગાડવા. 

(8) સગાઈ તોરણ ઉપર કરવી અને રૂપિયો પકડાવવાની પ્રથા ચાલુ રાખવી.

(9) ગામમાં દારૂ પીને કોઈ એ કોઈપણ પ્રસંગમાં જવું નહીંં અને જાય તો સમાજ પંચનો ગુનેગાર ગણાશે. કોઈએ દારૂની પ્રવૃતિ કરવી નહીં અને સમાજ સરકારનો ગુનેગાર કહેવાશે.

(10) મામેરામાં રૂા. 21000/- પેટે આપી દેવા, ભાઈ-બહેનને ખર્ચ આપશે.

(11) કોઈ પણ પ્રસંગે પંચના રૂા. 251/- થી વધારે લેવા નહીં.

(12) લગ્નમાં ઢોલ વગાડવું અને ડી.જે. વગાડવું નહીં, મામેરામાં પણ ડી.જે. વગાડવું નહીં.

(13) લગ્ન પ્રસંગે તોરણ ઉપર ગાળો બોલવી નહીં. 

(14) મરણ પ્રથામાં તેલ નાંખવાનું બંધ કરવું અને મરસિયા ગાવાના પણ બંધ કરવા.

(15) જાનમાં 200 વ્યક્તિનું જમણ બનાવવું. વધારે વ્યક્તિઓનું જમણવાર સામાજિક ગુનો ગણીને દંડ વસૂલાશે. 

(16) કોઈ પણ ગામમાં આજુબાજુ દારૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો બંધ કરવી અને દારૂનું વેચાણ કરવું નહીં.

(17) ભીલ સમાજ સિવાય અન્ય સમાજમાં દીકરી આપવી નહીં.

(18) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને વિનંતી કરીએ કે કોર્ટ મેરેજમાં વાલી-વારસોની સહી ફરજિયાત કરો. સાક્ષીની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને સાક્ષીઓ સમાજનાં રાખવા ફરજિયાત કરો.

(19) આપણે આદિવાસી ભીલ પ્રકૃતિ જીવન જીવવાવાળા જળ આકાશ વાયુ પુજનારા માતાના નામે અંધશ્રધ્ધા કે ખોટા ખર્ચા કરવા નહીં. અને માનવું નહીં.

(20) ભીલ સમાજની દીકરીઓ અન્ય સમાજમાં આપવી નહીં અને જો કોઈ દીકરી ભાગી જાય અને પરજ્ઞાતીમાં લગ્ન કરે તો તેનો બહિષ્કાર કરવો. ભાગીને લગ્ન કરનારા આપણા સમાજનાં ગુનેગાર ગણાશે. અને તે નાત-પંચ ધારશે તે દંડ નિર્ણય કરશે. માતા-પિતાની સંમતિ તથા તેમના ગામનાં 2 સાક્ષી હોવા જરૂરી છે. કોઈ દીકરી કે દીકરો સમાજની અવગણના કરી જાય તો તેને સમાજનાં કોઈપણ પ્રસંગમાં આવવા દેવા નહીં.

(21) સરકારને વિનંતી કરીએ છીએ કે વિશ્લેષણ સમિતિ બંધ થવી જોઈએ. જો બંધ નહીં થાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી તેઓનું ધ્યાન દોરીશું અને તેઓને આદેશ કરવા વિનંતી કરીશું.

(22) આ દેશના વડાપ્રધાન અને જે-તે વખતે ગુજરાતનાં મુખ્યમંત્રી 5 ફેબ્રુઆરી 2012 ના રોજ અમારા 14માં સમૂહ લગ્નમાં પધાર્યા અને તે વખતે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા અને સમૂહ લગ્નમાં સમસ્ત ભીલ સમાજે પરમેશ્વરને પ્રાર્થના કરી હતી. ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને તેમને દેશના વડાપ્રધાન બનાવ્યાં. તેઓ પણ આ વાત જાણે છે કે અમો ભીલ છીએ. તેથી પાડાના વાંકે પખાલીને ડામ દેવાય. ગીર, બરડા ને ખોટા જાતિ દાખલા આપી તે લોકો નોકરી મેળવી ગયા. ગીર, બરડા માત્ર ત્યાં નાજ આદિવાસીના લાભ મળવાપાત્ર છે, પંરતુ બીજા ખોટા પણ પ્રમાણપત્ર લઈ નોકરી મેળવે છે અને સરકાર ધ્યાન દેતી નથી, ચોરી કોઈ કરે અને સજા કોઈ ભોગવે. કુદરતના દરબારમાં આ અન્યાય છે.

(21) વિશેષતા સમિતિમાં અમારા સમાજના પ્રતિનિધિ આપો અથવા અમારી સંસ્થાઓની બાહેંધરી લઈ જાતિના દાખલાઓ જો કોઈ અમારામાંથી કોઈ ખોટી બાંહેધરી આપશે, તો તે સરકાર અને સમાજનો ગુનેગાર ગણાશે.



Tags :