કલોલ ભાજપમાં ઉકળતો ચરૂ, નગરપાલિકાના નવ સભ્યોએ પ્રમુખને રાજીનામા સોંપ્યા
અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ તરીકે શૈલેશ પટેલની નિમણૂંક અંગે અસંતોષ ફાટી નીકળ્યો

કલોલ: કલોલ નગરપાલિકાના ભાજપના નવ સભ્યોએ રાજીનામા આપ્યા છે. પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના પદને લઈને કાઉન્સિલરોમાં અસંતોષ વ્યાપ્યો હતો. નવ નગરસેવકોએ પ્રમુખને પોતાના રાજીનામા સોંપ્યા હતા. રાજીનામાને પગલે શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષની આબરૂનું ધોવાણ થયું છે.
કલોલ નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી અસંતોષ હતો. સવા વર્ષ અગાઉ સમિતિઓના ચેરમેનની નિમણૂંક અને દબાણની કામગીરી દરમિયાન પણ પ્રમુખ બદલવા હિલચાલ થઇ હતી. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ તરીકે શૈલેશ પટેલની નિમણૂંક કરી છે. શૈલેશ પટેલ વિરુદ્ધ ભાજપના નગરસેવકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ચૂંટણીના દિવસે જ નારાજ થયેલા નગરસેવકોએ નામ જાહેર થયા બાદ તરત જ ચાલતી પકડી હતી. ત્યારબાદ આ સભ્યો રાજીનામા આપે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. સોમવારે બપોરે નારાજ ચાલી રહેલ નવ જેટલા સભ્યોએ રાજીનામા આપી દીધા હતા.
રાજીનામા ધરનાર સભ્યોમાં જીતુ પટેલ,પ્રદીપસિંહ ગોહિલ,કેતન શેઠ,ચેતન પટેલ,ક્રીના જોશી,અમી અરબસ્તાની,દિનેશ પટેલ,ભુપેન્દ્ર પટેલ અને મનુ ચૌધરીનો સમાવેશ થાય છે. જેમાંથી ભુપેન્દ્ર પટેલ અને દિનેશ પટેલ ગત ટર્મમાં કારોબારી સમિતિના ચેરમેન પણ રહી ચુક્યા છે. આ નવ સભ્યો ઉપરાંત અન્ય ચાર સભ્યો પણ રાજીનામા આપશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ સંજોગોમાં નારાજ સભ્યોને મનાવી લેવાશે કે રાજીનામા સ્વીકારવામાં આવશે તે જોવાનું રસપ્રદ રહેશે.

