સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના અમલીકરણ કરવામાં વડોદરા કોર્પોરેશનનું તંત્ર નિષ્ફળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોના અમલીકરણમાં બેદરકારી હોવાનો આક્ષેપ કરી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ચેરમેન (અનુસૂચિત જાતિ સેલના ચેરમેન મહેશ સોલંકીએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 મુજબ દરેક શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ફરજ છે કે ઘન કચરાના વ્યવસ્થાપન માટે જવાબદાર અધિકારીઓની નિમણૂક, અસરકારક દેખરેખ અને નિયમોના પાલનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.
રજૂઆતમાં જણાવાયું છે કે રાજ્યની મોટાભાગની મહાનગરપાલિકાઓમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે જવાબદાર અધિકારીઓ અને જરૂરી વ્યવસ્થાઓ કાર્યરત છે, જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં નિયમ મુજબ સ્વતંત્ર અને જવાબદાર સમિતિ અથવા નોડલ વ્યવસ્થા અંગે પારદર્શિતાનો અભાવ જોવા મળે છે. જોકે મહાનગરપાલિકામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અસ્તિત્વમાં છે અને અગાઉ સફાઈ વ્યવસ્થાને એક જ કમાન્ડ હેઠળ લાવવાના પગલાં લેવામાં આવ્યા હતા.
રજૂઆતમાં માંગ કરી છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો મુજબ જવાબદાર અધિકારીઓના નામ, તેમની સત્તા અને જવાબદારીઓ જાહેર કરવામાં આવે. જો જરૂરી સમિતિ અથવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી ન હોય તો સંબંધિત અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવામાં આવે.
આ ઉપરાંત ,સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હેઠળ કરવામાં આવેલા ટેન્ડરો, કોન્ટ્રાક્ટ, બિલોની પ્રક્રિયા, કચરાના સંગ્રહ, પરિવહન, પ્રોસેસિંગ તેમજ દેખરેખની કામગીરીમાં કોઈ સંભવિત ભ્રષ્ટાચાર થયો હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરવાની પણ માગ કરવામાં આવી છે.
કોંગ્રેસે ચીમકી આપી છે કે જો યોગ્ય સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, રાજ્ય સરકાર તેમજ અન્ય સક્ષમ સત્તાધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે.









