Get The App

નવા રેન્ટ રુલ કેન્દ્ર સરકારે જારી કર્યાં પણ અપનાવવામાં ગુજરાતના ઠાગાઠૈયા, ભાડા કરારની ઓનલાઈન નોંધણી ફરજિયાત

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
નવા રેન્ટ રુલ કેન્દ્ર સરકારે જારી કર્યાં પણ અપનાવવામાં ગુજરાતના ઠાગાઠૈયા, ભાડા કરારની ઓનલાઈન નોંધણી ફરજિયાત 1 - image


New Central Rent Rules 2025 Issued: કેન્દ્ર સરકારે ભારતમાં ઘર ભાડે આપવાની પ્રક્રિયા સરળ, પારદર્શક અને વધુ વ્યવસ્થિત બનાવવા માટે નવા ભાડા નિયમ 2025 રજૂ કર્યાં છે. આ નિયમો હેઠળ મકાનમાલિકો અને ભાડૂઆતો માટે રેન્ટ એગ્રીમેન્ટનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.  આ સાથે જ કેન્દ્ર સરકારે મકાન માલિક અને ભાડૂઆતોની સુખાકારી માટે અનેક નિયમો જારી કર્યાં છે. પરંતુ તેના અમલ વિશે અવઢવ જોવા મળી રહ્યો છે કારણ કે, ગુજરાતે મોડલ ટેનન્સી એક્ટ 2021ને અપનાવ્યો નથી. નોંધનીય છે કે, ભારતીય બંધારણ હેઠળ જમીન રાજ્યનો વિષય હોવાથી મોડલ ટેનન્સી એક્ટ સીધો લાગુ નથી કરી શકાતો.

તમિલનાડુએ 35 જિલ્લાઓમાં રેન્ટ ઓથોરિટી બનાવી   

મોડલ ટેનન્સી એક્ટમાં બે મહિનાની સિક્યોરિટી ડિપોઝીટનો નિયમ લાગુ છે. જ્યારે, ગુજરાતમાં નથી. ઘર ખાલી કરાવવા માટે મકાન માલિક પાસે સિવિલ કોર્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જેમાં કેસના નિવારણમાં વર્ષો લાગે છે. જ્યારે, તમિલનાડુ જેવા રાજ્યોએ 35 જિલ્લાઓમાં રેન્ટ ઓથોરિટી બનાવી છે. જે ભાડાના મકાનો અને કોમર્શિયલ પ્રોપર્ટીને લગતા વિવાદોનું નિવારણ કરે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં દરરોજ સરેરાશ 6 બાળકો ગુમ થાય છે, 5 વર્ષમાં ગુમ 10,000માંથી 3000નો કોઈ અતોપતો નહીં

કેન્દ્ર સરકારના નવા નિયમો મુજબ, રહેણાક મકાનો માટે મકાનમાલિકો બે મહિનાથી વધુ ભાડુ ડિપોઝિટ તરીકે નહીં લઈ શકે. જ્યારે, કોમર્શિયલ સ્પેસ માટે છ મહિનાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. મકાનનું ભાડું 12 મહિના પછી જ વધારી શકાશે. આ ઉપરાંત ઘરની તપાસ પહેલા મકાનમાલિકે 24 કલાકનો સમય આપવો પડશે. ઘરમાં કોઈપણ વસ્તુના રિપેરિંગ બાદ ભાડૂઆત ભાડામાંથી તેટલી રકમ બાદ લઈ શકશે. પરંતુ, આ નિયમો લાગુ કરવા માટે ગુજરાત સરકારે રદ દાખવવો પડશે. 

નવા નિયમો બાદ ભાડાની પ્રોપર્ટીને લે-ભાગુ તત્વોથી બચાવી શકાશે. જેમ સિબિલ સ્કોર દ્વારા જે તે વ્યક્તિના ક્રેડિટ સ્કોરને જાણી શકાય છે. તેમ, રેન્ટ ક્રેડિટ સ્કોર દ્વારા વ્યક્તિને ભાડે પ્રોપર્ટી આપી શકાય કે નહીં તે વિશે જાણી શકાશે. રેન્ટ ક્રેડિટ સ્કોરનો ઉપયોગ કરીને મકાન માલિકો અયોગ્ય વ્યક્તિઓથી પ્રોપર્ટીને બચાવી શકશે. પરંતુ ગુજરાતમાં કાયદો લાગુ કરવામાં જોવા મળી રહેલી નિરસતાને કારણે તે ખોટકાઈ ગયું છે.


Tags :