ગુજરાતમાં 5 વર્ષથી ગુમ 3000 બાળકોનો અતોપતો જ નથી, રોજ સરેરાશ 6 ગુમ, વાલીઓ ચેતી જજો

| (AI IMAGE) |
Gujarat Missing Children Rate: કોઇ પણ માતા-પિતા માટે બાળકના ગૂમ થવાનો વિચાર માત્ર દુઃસ્વપ્ન સમાન બની રહે છે. ગુજરાતમાંથી પાંચ વર્ષમાં 10,474 બાળકો ગૂમ થયા છે અને આ પૈકી 2990 બાળકોનો કોઇ અતોપતો જ નથી. આ સ્થિતિએ ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 6 બાળકોની આગળ મિસિંગ લખાય છે અને તેમાંથી સરેરાશ 3 બાળકો એવા છે જેઓ મળતાં જ નથી.
એક વર્ષમાં 500થી વધુ બાળકો ગૂમ
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 2019થી 2023 દરમિયાન બાળકના ગૂમ થવાના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. 2023ના વર્ષમાં 2251 બાળકો ગૂમ થયા હતા અને તેમાંથી 1727 જ મળ્યા હતા. આમ, એક વર્ષમાં ગૂમ થયેલા બાળકોમાંથી 524નો કોઇ અતોપતો મળ્યો નહોતો. 2023ના વર્ષમાં સૌથી વઘુ બાળકો ગૂમ થયા હોય તેવા રાજ્યમાં મઘ્ય પ્રદેશ 16017 સાથે મોખરે છે.
ગુજરાતમાં મોટાપાયે બાળકોની તસ્કરીનું જોખમ
જાણકારોના મતે, ગૂમ થયેલામાંથી બાળકીઓનું પ્રમાણ વધારે હોય છે. રાજ્યમાં સામાજીક કાર્યકર્તાઓ અને પોલીસના સુત્રોનું માનીએ તો જે બાળકોને શોધી શકાયા નથી તેમને ભીખ માંગવી, બાળ મજૂરી અને દેહ વેપાર જેવી બદીઓમાં ધકેલી દેવામાં આવ્યા હોય છે. જાણકારોના મતે, દેશના બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ બાળકોની તસ્કરી મોટાપાયે થાય છે. જેમાં જો બાળક છોકરો હોય તો તેને ચાઇલ્ડ લેબર કે પછી ભીખ મંગાવવામાં આવે છે. જ્યારે છોકરીને ઘરકામ માટે વેચી મારવી કે દેહ વેપારના દલદલમાં ધકેલી દેવામાં આવે છે.


