નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરુ, ગમે તે ઘડીએ શપથગ્રહણ, ગાંધીનગર તરફ સૌની નજર

Gujarat New Cabinet News: બિહાર વિધાનસભાની ચૂંટણી વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાને સોમવારે મોડી રાત સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ (જગદીશ વિશ્વકર્મા) અને મહામંત્રી રત્નાકરની આ બેઠકમાં નવા મંત્રીમંડળની રચના અને ગુજરાત પ્રદેશ માળખાને નવો ઓપ આપવા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ ગુજરાતના નવા મંત્રીમંડળના શપથગ્રહણનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. હવે ગમે તે ઘડીએ પાટનગર ગાંધીનગરમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે, જેના પગલે કોની વિદાય થશે અને કોની મંત્રીપદે એન્ટ્રી થશે તે અંગે રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.
દસ મંત્રીઓની હકાલપટ્ટી, પાંચ રિપીટ થવાની શક્યતા
સૂત્રોના મતે, વડાપ્રધાન નિવાસસ્થાને યોજાયેલી બેઠક બાદ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને રત્નાકરે દિલ્હીમાં રોકાણ કર્યું હતું. આના કારણે મુખ્યમંત્રીનો કૃષિ મહોત્સવનો કાર્યક્રમ પણ રદ કરાયો હતો. ચર્ચા મુજબ, નવા મંત્રીમંડળમાં અંદાજે 20થી 22 સભ્યો હશે. જેમાંથી પાંચેક મંત્રીઓ યથાવત્ રહેશે, પરંતુ તેમના ખાતા બદલાઈ શકે છે. જોકે, દસેક વર્તમાન મંત્રીઓની હકાલપટ્ટી થવાના સંકેતો મળી રહ્યા છે.
હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાને કેબિનેટનો દરજ્જો?
વર્તમાન ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાને કેબિનેટનો દરજ્જો મળી શકે છે. યુવા અને અનુભવી ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવશે.
મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંન્ને અમદાવાદના હોવાથી નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું રાજકીય કદ વધે તેવી શક્યતા છે, જ્યારે સુરત-દક્ષિણ ગુજરાતનો દબદબો ઘટી શકે છે. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના પાંચેક ધારાસભ્યને સ્થાન મળે તો નવાઈ નહીં. ઉત્તર ગુજરાતમાંથી પણ બે-ત્રણ નેતાઓને મંત્રીપદની લોટરી લાગી શકે છે.
આ પણ વાંચો: 'માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય', અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર
પ્રાદેશિક અને જ્ઞાતિ સમીકરણો પર ભાર
ઝોનવાઇઝ ઉપરાંત સામાજિક-જ્ઞાતિ આધારે મંત્રીઓની પસંદગી કરવામાં આવશે. મંત્રીમંડળમાં લેઉઆ-કડવા પાટીદારને પ્રાધાન્ય મળશે. સાથે સાથે ઓબીસી, કોળી અને આદિવાસી નેતાઓનું પણ મહત્ત્વ જળવાશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કડવા-લેઉવા, ક્ષત્રિય-કોળી, દક્ષિણ ગુજરાતમાં આદિવાસી, ઉત્તર ગુજરાતમાં ઓબીસી અને મધ્ય ગુજરાતમાં સવર્ણને તક આપવાની ગણતરી છે.
મહિલાઓ અને પક્ષપલટુ નેતાઓને તક
નવા મંત્રીમંડળમાં બે મહિલા ધારાસભ્યને તક મળી શકે છે. જેમાં રિવાબા જાડેજા, દર્શના દેશમુખ અને સંગીતા પાટીલના નામ ચર્ચામાં છે. આ ઉપરાંત, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા બે પક્ષપલટુ નેતા અર્જૂન મોઢવાડિયા અને અલ્પેશ ઠાકોરનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.
નવા અને જૂના ચહેરાઓનું સંતુલન
હાઇકમાન્ડે ઘણાં નવા અને યુવા ચહેરાઓને તક આપવાનું મન બનાવ્યું છે. પાટીદારોને સાચવવાની ગણતરી સાથે જયેશ રાદડિયાને પુન: મંત્રીપદ મળી શકે છે, જ્યારે જીતુ વાઘાણીની પણ મંત્રીમંડળમાં રિ-એન્ટ્રીની અટકળો છે.
દિવાળી પહેલા શપથગ્રહણ નિશ્ચિત!
મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળી પહેલા થાય તો નવા મંત્રીઓ તહેવારો પહેલા જ નવી ભૂમિકામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એકાદ-બે દિવસમાં રાજ્યપાલ ભવનમાં કેબિનેટનું વિસ્તરણ અને શપથગ્રહણ યોજાય તેવી પ્રબળ સંભાવના છે.