નવસારી: ભત્રીજાએ કાકાનો કાન બચકું ભરી છૂટો પાડ્યો, સર્જરી કરી જોડ્યો, આરોપીની ધરપકડ

Navsari News : નવસારીમાં ભત્રીજાએ કાકાના કાન પર બચકું ભરીને છૂટો કરી નાખ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અગાઉથી ચાલી આવતા પારિવારિક ઝઘડા અને આરોપીના માતા-બહેન માટે અભદ્ર ટિપ્પણી કરતાં ભત્રીજાએ કાકાનો કાન કરડી ખાધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પીડિત વ્યક્તિને સારવાર માટે નવસારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે નવસારી ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંગત અદાવતમાં ભત્રીજાએ કાકાનો કાન બચકું ભરી છૂટો પાડ્યો
મળતી માહિતી મુજબ, નવસારીમાં કાકા અને ભત્રીજા વચ્ચે ઘણાં સમયથી તકરાર ચાલતી હતી. જેમાં કાકાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ભત્રીજાની માતા અને બહેન વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. ચાલી આવતી ઝઘડાની સમજૂતી માટે પોલીસે બંને પક્ષના પરિવારને બોલાવ્યા હતા.
તેવામાં માતા અને બહેન વિશે કાકાએ અભદ્ર ટિપ્પણી કરી હોવાનું જાણતાં ભત્રીજાએ કાકા પર હુમલો કર્યો હતો. જેમાં રોષે ભરાયેલા ભત્રીજાએ કાકાના કાન પર ખતરનાક રીતે ભચકું ભર્યું હતું.
આ પણ વાંચો: છોટાઉદેપુરમાં મહિલાએ 8 માસની દીકરીની હત્યા કરી કર્યો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર બનાવમાં પીડિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પીડિત વ્યક્તિના કાનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે નવસારી ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

