VIDEO: દાંડિયાનું ગઢ ગોધરા: નવરાત્રિનું આ ઘરેણું કોમી એકતાની છે મિસાલ, વિદેશમાં પણ તેની ભારે માગ
Navratri 2025: નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તેની સાથે જોડાયેલી અનેક બાબતોની ચર્ચા થવા લાગે છે. આ તહેવારમાં રાસ અને ગરબાનું અનેરું મહત્વ છે, અને આ રાસને રમવા માટે સૌથી મહત્વની વસ્તુ છે દાંડિયા. ગુજરાતના ગોધરા શહેરના દાંડિયા વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને તે કોઈ સામાન્ય દાંડિયા નથી, પરંતુ તે કોમી એકતાનું પ્રતીક છે જે દેશમાં જ નબીં પણ વિદેશમાં પણ મોટી માત્રા સપ્લાય કરવામાં આવે છે.
નવરાત્રિનું ઘરેણું દાંડિયા
ગુજરાત નવલી નવરાત્રિને આડે હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે યુવક-યુવતીઓ ટ્રેડિશનલ પહેરવેશની તૈયારીઓમાં જોતરાયા છે. નવરાત્રિમાં દાંડિયા રાસ રમતા યુવાનો હૈયા મન મૂકીને ગરબે ઘૂમે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ નવરાત્રિ પોતાના સાથી મિત્રો સખીઓ સાથે દાંડિયાની રમઝટ રમાડવા ગોધરાના મુસ્લિમ કારીગરોની મહેનત રંગ લાવે છે. ગોધરા શહેર એક કલા વારસાની નગરી છે. નવરાત્રિ એ દરેક ગુજરાતીઓ માટે અનેરો તહેવાર છે, નવરાત્રિમાં યુવાનો મન હિલોળે ચઢે છે ત્યારે દાંડિયા નવરાત્રિનું ઘરેણું છે. જૂની પરંપરા અનુસાર નવરાત્રિ દાંડિયા વિના અધૂરી ગણાતી પરંતુ ટ્રેડિશનલ ટ્રેન્ડ આવી જવાથી હાલ દાંડિયા નામશેષ થઈ જવા પામી છે. ત્યારે નવરાત્રિના દાંડિયાનું ઉત્પાદન બાબતે ગોધરાનું યોગદાન ઘણું મોટું છે.
કોમી એકતાની અનોખી મિસાલ
ગોધરામાં દાંડિયા બનાવવાનો વ્યવસાય ખૂબ જ મોટા પાયે ચાલે છે. અહીં અંદાજે 250થી 300 જેટલા દાંડિયા બનાવવાના કારખાના છે, જ્યાં લગભગ 700થી 1000 જેટલા મુસ્લિમ કારીગરો આ કળાને જીવંત રાખે છે. આ કામમાં મુસ્લિમ મહિલાઓ પણ સહભાગી બને છે. આ કારીગરો અથાક મહેનતથી રંગબેરંગી દાંડિયા તૈયાર કરે છે. ખાસ કરીને ગોધરાના સ્ટેશન વિસ્તાર, મોહમ્મદી મહોલ્લા, શેખ કબ્રસ્તાન, બોનમિલ પાછળ, હયાતની વાડી, ગુહયા મહોલ્લા, સાતપુલ, વગેરે વિસ્તારોમાં આ કામ જોરશોરથી ચાલે છે. તેઓ નવરાત્રી શરૂ થવાના 4થી 6 મહિના પહેલા જ દાંડિયા બનાવવાની તૈયારીમાં લાગી જાય છે.
વિદેશમાં પણ કરાય છે સપ્લાય
આ દાંડિયા માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. ગોધરાના દાંડિયાની માંગ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મુંબઈથી લઈને અમેરિકા, દુબઈ, બ્રિટન અને જાપાન જેવા દેશોમાં પણ છે.
આ પણ વાંચો: ઓનલાઇન સ્કીમમાં સ્કેમ: તહેવારોમાં ઈ-ચીટિંગના કિસ્સા 60% વધે, આવા પૈંતરાથી સાવધાન