Get The App

ઓનલાઇન સ્કીમમાં સ્કેમ: તહેવારોમાં ઈ-ચીટિંગના કિસ્સા 60% વધે, આવા પૈંતરાથી સાવધાન

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
ઓનલાઇન સ્કીમમાં સ્કેમ: તહેવારોમાં ઈ-ચીટિંગના કિસ્સા 60% વધે, આવા પૈંતરાથી સાવધાન 1 - image


Online Scam Alert: નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરવર્ષે આવી રહ્યાં છે, આ સાથે જ ઓનલાઈન સ્કીમનો રાફડો ફાટ્યો છે. આર્થિક લાભકર્તા સ્કીમ અને ઓફર્સના દોર વચ્ચે સ્કેમ એટલે કે ઓનલાઈન કૌભાંડ આચરનારાંઓ પણ સક્રિય બને છે. દરવર્ષે તહેવારો દરમિયાન ઓનલાઈન સ્કીમમાં સ્કેમના કિસ્સામાં 60 ટકા જેવો ઉછાળો આવે છે. ડિસ્કાઉન્ટ, ગિફ્ટ કાર્ડ, ફ્રી ઓફરની લિંક કે ઓનલાઈન ખરીદીમાં લાભનો લોભ જગાવીને છેતરપિંડીની પેંતરાબાજી આચરવામાં આવે છે. મોબાઈલ ફોન ઉપર આ પ્રકારની સ્કીમ કે ઓફર્સની લિંક ખોલતાં પહેલાં પૂરતી ચકાસણી કરવા માટે પોલીસે જાહેર હીંતમાં અપીલ કરી છે.

ઓનલાઈન સ્કીમના નામે ઈ-ચીટિંગ

નવરાત્રિના તહેવારો આડે એક જ અઠવાડિયું અને દિવાળી આડે એક મહિનાનો સમય જ વધ્યો છે. બજારોમાં તહેવારોની ખરીદીનો માહોલ જામવાની શરૂઆત થઈ છે. જેની સાથે જ ઘરબેઠાં મોબાઈલ ફોન ઉપર ઓનલાઈન સ્કીમની ભરમાર શરૂ થવા જઈ રહી છે. નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરમિયાન વોટ્સએપ, ઈ-મેઈલ, ફોન કરીને, વેબસાઈટ ઉપર, સાદા મેસેજીસ થકી લાભનો લોભ જગાવતી ઓફર સાથે લિંક મોકલીને કે અન્ય કોઈપણ સોશિયલ મીડિયા ઉપર વિવિધ પ્રકારની ઓફર્સ જોવા મળવાનું શરૂ થઈ ચૂક્યું છે. બ્રાન્ડેડ વસ્તુઓના નામે ઠગાઈની અનેક સ્કીમ મોબાઈલ ફોન ઉપર આવી શકે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, દર વર્ષે નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરમિયાન ઓનલાઈન સ્કીમના નામે ઈ-ચીટિંગના બનાવોમાં ઉછાળો આવે છે. વર્ષ 2023માં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સામાં 54 ટકાનો અને વર્ષ 2024માં 66 ટકા જેવો ધરખમ વધારો જોવા મળ્યો હતો. તહેવારો દરમિયાન સરેરાશ ઓનલાઈન ચીટિંગના કિસ્સામાં 60 ટકા જેવો વધારો નોંધાયો હતો. વર્ષ 2023માં સાયબર ક્રાઈમના 16 લાખ ગુના અને વર્ષ 2024માં 20 લાખ ગુના નોંધાયા હતા. તહેવારો દરમિયાન વિવિધ પ્રકારની સ્કીમો અને લિંક મોકલીને ઓનલાઈન ઠગાઈ આચરતી ટોળકીઓ પૂર્ણરૂપે સક્રિય બનીને તેમાં ફસાતાં લોકોના બેન્ક એકાઉન્ટ સાફ કરી નાંખે છે. અથવા તો ખરીદીના પૈસા મેળવી લીધાં પછી વસ્તુ નહીં મોકલીને છેતરપિંડી કરવામાં આવે છે. અનેક કિસ્સામાં ફરિયાદો નોંધાવવામાં આવતી નથી. 

આ પણ વાંચો: એલર્ટ: નકલી પનીરથી કેન્સર, અલ્સર અને હૃદયમાં બ્લોકેજ થવાનું જોખમ, ગુજરાતમાં 92% પનીર નકલી

પોલીસ અધિકારીઓ કહે છે કે, તહેવારો દરમિયાન ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, ડેકોરેશન, ઘરવખરી, જ્વેલરી સહિતની આઈટમોમાં દિવાળી ધમાકાના બહાને ફ્રી ગિફ્ટ, 70થી 80 ટકા સુધીના ભાવઘટાડા સહિતની ઓફર્સ સાથેની લિંક મોકલવામાં આવે છે. આવી સ્કીમના સ્કેમ એટલે કે કૌભાંડમાં ફસાઈ જઈને લિંક ખોલીને સ્કીમ જોવા જતાં કે પછી ઓનલાઈન પેમેન્ટ કરવા જતાં બેન્ક ખાતાંની તમામ વિગતો ચિટર ટોળકીના હાથમાં પહોંચી જાય છે. એક અંદાજ મુજબ, વિદેશથી સંચાલન થાય છે તેવા ઈ-ચીટિંગ આચરતા સાયબર ગઠિયાઓ છેતરપિંડીની 100થી વધુ અલગ અલગ પ્રકારની ઓનલાઈન સ્કીમથી સ્કેમ આચરે છે.

દિવાળીમાં દાન કરોઃ અપીલ કરીને ઠગાઈ

ગત વર્ષથી નવતર પ્રકારના ઈ-ચીટિંગમાં ગરીબ બાળકો, દયા ઉપજે તેવા ગરીબો અને વડીલોના ફોટો મોકલીને દિવાળીમાં દાન કરવાની અપીલ કરવામાં આવે છે. દિવાળીમાં દાનનો મહિમા છે તેવી ગુજરાતી માનસિકતા જાણતા કૌભાંડીઓ દાનની અપીલ કરીને સાથે જ પૈસા જમા કરાવવા માટે લિંક મોકલે છે. આ લિંક ઉપર ક્લિક કરતાં જ બેન્ક ડિટેઈલ્સ ઈ-ચીટર્સ પાસે પહોંચી જતાં જ એકાઉન્ટમાંથી પૈસા ગાયબ કરી દવામાં આવે છે.

તહેવારોમા બનાવટી ઈ-કોમર્સ વેબસાઈટ અને લિંકનો રાફડો ફાટે છે

તહેવારો દરમિયાન બનાવટી ઈ-કોમર્સ વેબસાઈટ અને લિંકનો રાફડો ફાટે છે. જાણીતી બ્રાન્ડના નામને ભળતી બનાવટી ઈ-કોમર્સ વેબસાઈટ ખોલીને તેની લિંક ગ્રાહકોને મોકલવામાં આવે છે. સાથે જ, ક્યુઆર કોડ મોકલીને તહેવારોની ખરીદીમાં આર્થિક ફાયદાની ઓફર્સ આપવામાં આવે છે. આવી બનાવટી વેબસાઈટ અને લિંક મોકલવાના કિસ્સા 200 ગણા વધી જતાં હોવાનું સાયબર નિષ્ણાતો કહે છે. સાથે જ ફોન, મેસેજ, ઈ-મેઈલ કે વોટ્સએપ કરીને ખાસ ઓફર્સના બહાને એકાઉન્ટ ડિટેલ વેરિફાઈ કરવાનું પણ કહેવામાં આવે છે. એકાઉન્ટ વેરિફીકેશન પ્રક્રિયાના બહાનેએકાઉન્ટ હેકકરીને પણખાતાં ખાલી કરીદેવામાં આવેછે.

ચણીયા-ચોલી, ઓર્નામેન્ટસ અને ફટાકડા પર 80 ટકાની છૂટ આપવાના નામે ઠગાઈ

નવરાત્રિ અને દિવાળીના તહેવારમાં ચણીયા-ચોલી, ઓર્નામેન્ટસ અને ફટાકડાની ખરીદીમાં ઉછાળો આવે છે. તહેવારોમાં લોકોને સસ્તી ખરીદીના નામે 70થી 80 ટકાની છૂટ એટલે કે વળતરની લિંક મોકલાય છે અથવા તો સોશિયલ મીડિયા પર જાહેરાતો મુકવામાં આવે છે. નવરાત્રિ અને દિવાળીની ખરીદીમાં ધરખમ છૂટના બહાને ઓનલાઈન પેમેન્ટની લિંક મોકલીને ઠગાઈ આચરવામાં આવે છે. ગત વર્ષે ફટાકડામાં 80થી 95 ટકા સુધીના વળતરની લાલચ આપતી સ્કીમનું સ્કેમ વાઈરલ થયું હતું. ચેન્નઈથી ચલાવાયેલું ઠગાઈનું નેટવર્ક પકડાયુ હતું.

Tags :