એક એવું રેલવે સ્ટેશન જે અડધુ ગુજરાત અને અડધુ મહારાષ્ટ્રમાં, જાણો રસપ્રદ બોર્ડર વિશે

Navapur Railway Station : ભારતીય રેલવેમાં રોજના લાખો-કરોડો લોકો મુસાફરી કરતા હોય છે. લોકલ ટ્રેનોથી લઈને વંદે ભારત એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં મુસાફરો વિવિધ સુવિધાઓ મળતી હોય છે. ભારતનું રેલ નેટવર્ક એટલું વિશાળ છે કે, તમને લગભગ દરેક જગ્યાએ ટ્રેન સેવા મળશે. લોકોનું રેલવે સાથે જોડાણ બાળપણથી જ શરૂ થાય છે, જે તેના વિશે રસપ્રદ વસ્તુઓ જાણવા માટે ઉત્સુક કરે છે, ત્યારે આપણે એક એવા રેલવે સ્ટેશનની વાત કરીશું જે બે રાજ્યોમાં સ્થાન ધરાવે છે.
બે રાજ્યો વચ્ચે આવેલું અનોખુ રેલવે સ્ટેશન
બે રાજ્ય વચ્ચે સ્થિત રેલવે સ્ટેશનની ખાસ વાત એ છે કે, સ્ટેશન પર મુસાફરોને બેસવા માટેની બેન્ચ પણ અડધી એક રાજ્યમાં આવે છે અને બીજો ભાગે અન્ય રાજ્યમાં આવે છે. આ ખાસ રેલવે સ્ટેશનનું નામ છે 'નવાપુર રેલવે સ્ટેશન'. આ અનોખા સ્ટેશનની અનેક તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થતી રહેતી હોય છે.
મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો વચ્ચે વહેચાયેલું નવાપુર રેલવે સ્ટેશન વેસ્ટર્ન રેલવે ઝોન હેઠળ આવે છે અને સુરત-ભુસાવલ રેલ લાઈન પર સ્થિત છે. આ રેલવે સ્ટેશન મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા અને ગુજરાતના તાપી જિલ્લાની વચ્ચે આવેલું છે. આ રેલવે સ્ટેશન ખૂબ જ લોકપ્રિય છે, લોકો ફોટોગ્રાફી માટે અહીં આવે છે.
તમને જણાવી દઈએ કે, લોકો સરળતાથી સમજી શકે તે માટે સ્ટેશન પર હિન્દી, અંગ્રેજી સિવાય મરાઠી અને ગુજરાતી ભાષામાં પણ અનાઉન્સમેન્ટ પણ કરવામાં આવે છે. જેમાં ટિકિટ બારી અને સ્ટેશન માસ્ટરની ઓફિસ પણ બે રાજ્યો વચ્ચે વહેંચાયેલી છે. ટિકિટ બારી મહારાષ્ટ્રમાં છે, જ્યારે સ્ટેશન માસ્ટરની ઓફિસ ગુજરાતમાં આવેલી છે.