Get The App

કમોસમી વરસાદે ડાંગવાસીઓને રાજીના રેડ કરી દીધા, કુદરતી રીતે ઊગી નીકળી 'ઔષધિ'

Updated: May 12th, 2025

GS TEAM

Google News
Google News
Dang Unseasonal Rain Growth Safed Musli


Dang Unseasonal Rain Growth Safed Musli: ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદે ભારે ખાનાખરાબી સર્જી હતી પણ ડાંગ જિલ્લામાં અણધારી ખુશી લાવી દીધી છે. એક સપ્તાહથી ભારે વરસાદને પગલે ડાંગના કેટલાક વિસ્તારોમાં કવળી નામની ભાજી (સફેદ મુસળી) ઉગી નીકળી છે, જે સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં જોવા મળે છે. આ અણધારી ભેટ મળતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

કમોસમી વરસાદે ડાંગના લોકોને આપી અણધારી ભેટ 

ડાંગ જિલ્લાના દરડી ગામના શૈલેષભાઈ મહાલાએ સૌપ્રથમ પોતાના ગામમાં કમોસમી વરસાદમાં આ ભાજી ઉગેલી જોઈ અને આ વાતની જાણકારી ‘આપણું દક્ષિણ ગુજરાત ગ્રુપ’ના અમિતભાઈ રાણાને આપી હતી. ત્યારબાદ આ બાબતે ગ્રુપમાં ચર્ચા થઈ હતી. 

જૂન મહિનાની શરૂઆતમાં કવળીની ભાજી જોવા મળે છે 

સામાન્ય રીતે કવળીની ભાજી જૂન મહિનાની શરૂઆતમાં ચોમાસાના પ્રથમ વરસાદ બાદ ચાર-પાંચ દિવસમાં નીકળે છે. પરંતુ આ વખતે કમોસમી વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં તે વહેલી જોવા મળી છે. ખાતર વગર કુદરતી રીતે ઊગી નીકળતી આ ભાજી પ્રથમ વરસાદમાં જ ખાવા મળતા લોકો રોમાંચિત થઈ ગયા હતા. 

લોકો ભાજીને ઘરના બારણા ઉપર મૂકી પોતાના પૂર્વજોને યાદ કરે છે

કવળીની ભાજીને સ્થાનિક ભાષામાં ‘કુમળીની ભાજી' તેમજ ‘સફેદ મુસળી’ના નામે પણ ઓળખવામાં આવે છે. આ ભાજી પર સફેદ રંગના સુંદર ફૂલો જોવા મળે છે. ડાંગમાં જ્યારે આ ભાજી પહેલીવાર નીકળે છે ત્યારે ગામના લોકો તેને ઘરના બારણા ઉપર મૂકી પોતાના પૂર્વજોને યાદ કરે છે અને ત્યારબાદ તેનો ઉપયોગ રસોઈમાં કરવાનું શરૂ કરે છે. 

કવળીની ભાજીની ઔષધીય બજારમાં ખૂબ જ માંગ 

આ ભાજીમાંથી સ્વાદિષ્ટ શાક, ગોટા અને મુઠીયા જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સફેદ મુસળી એક વનસ્પતિજન્ય પેદાશ છે, જેની ઔષધીય બજારમાં ખૂબ જ માંગ રહે છે. ચોમાસાની શરૂઆતનાં વરસાદમાં નીકળતી આ શક્તિવર્ધક કવળીની ભાજી ડાંગમાં ખૂબ જ લોકપ્રિય છે. એવું માનવામાં આવે છે કે, ચોમાસાના ભારે વાતાવરણમાં આ ભાજી અહીંના લોકોને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. 

આ પણ વાંચો: સાબરમતી નદીને પહેલીવાર સંપૂર્ણ ખાલી કરી સફાઈ અભિયાન ચલાવવાની કામગીરી શરૂ

આ ભાજી મુખ્યત્વે બે પ્રકારની હોય છે. એક સફેદ (આછા લીલા રંગની અને મીઠી) અને બીજી કાળી (ઘેરા લીલા રંગની અને કડવી). જો કે બંને પ્રકારની ભાજી ખાદ્ય હોય છે, પરંતુ ડાંગના લોકો સફેદ ભાજીને વધુ પસંદ કરે છે. આમ, કમોસમી વરસાદે ડાંગના લોકોને અણધારી ભેટ આપી છે. 

કમોસમી વરસાદે ડાંગવાસીઓને રાજીના રેડ કરી દીધા, કુદરતી રીતે ઊગી નીકળી 'ઔષધિ' 2 - image

Tags :