માઉન્ટ આબુમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, પ્રવાસીઓ લઈ રહ્યા છે ધોધમાર વરસાદની મજા
Mount Abu Rain : ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તેવામાં સિહોરી, આબુ રોડ અને આબુ સહિતના અનેક વિસ્તારમાં વરસાદથી માઉન્ટ આબુનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. પહાડોમાંથી વહેતા ઝરણાં અને ચારેયકોર કુદરતનો અદ્ભુત નજારો નિહાળવા માટે પ્રવાસીઓ આવી રહ્યા છે અને ધોધમાર વરસાદની મજા માણી રહ્યા છે.
માઉન્ટ આબુનું અદ્ભુત નજરાણું, પ્રવાસીઓ ઉમટ્યા
માઉન્ટ આબુ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે, ત્યારે લોકોને ગરમીથી રાહત મળી છે. શનિ-રવિ રજાના દિવસોમાં માઉન્ટ આબુ પર પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. વરસાદ બાદ માઉન્ટ આબુ પર કુદરતના અદ્ભુત સૌંદર્યના સાક્ષાત્ દર્શન થતાં પ્રવાસીઓમાં હરખ છવાયો છે. અહીં પ્રવાસીઓ વરસાદી માહોલ વચ્ચે રેઇનકોટ અને છત્રી લઈને ફરતાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર
નક્કી લેક ઓવરફ્લો
માઉન્ડ આબુમાં ભારે વરસાદને લઈને નક્કી લેક(સરોવર) ઓવરફ્લો થયો છે. ગત 24 કલાકમાં 30 મિ.મી. વરસાદ ખાબક્યો છે. બીજી તરફ, વીકેન્ડને લઈને પ્રવાસીઓની ભારે ભીડ પણ જામી છે અને પ્રવાસીઓ વરસાદ અને ઠંડા વાતાવરણની મજા લઈ રહ્યા છે. નક્કી લેક ઓવરફ્લો થતાં બોટિંગ બંધ કરવામાં આવ્યું છે.