Gujarat

ઓનલાઈન ફાર્મસીની ગેરરીતિઓ અને ડુપ્લીકેટ દવાઓના વિરોધમાં 20મી મેના રોજ જામનગર સહિત દેશવ્યાપી કેમિસ્ટ હડતાલ

By GS TEAM
18 May 20263 mins read
TukuTouch Logo
દર્દીઓની સુરક્ષા અને દવાના વ્યવસાયમાં પારદર્શિતાના રક્ષણાર્થે સમગ્ર ભારતના 12.50 લાખ દવાના વેપારીઓ જોડાશે ; જામનગરમાં ઇમરજન્સી મેડિકલ સેવાઓ કાર્યરત રહેશે

Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઈન ફાર્મસીની ગેરરીતિઓ અને ડુપ્લીકેટ દવાઓના વિરોધમાં 20મી મેના રોજ જામનગર સહિત દેશવ્યાપી કેમિસ્ટ હડતાલ

Jamnagar :  દર્દીઓની સુરક્ષા, અસલી દવાઓની ઉપલબ્ધતા અને દવા વ્યવસાયમાં પારદર્શિતા જળવાઈ રહે તે ઉમદા હેતુસર આગામી તારીખ 20 મે 2026 બુધવારના રોજ સમગ્ર ભારતના અંદાજે 12.50 લાખ કેમિસ્ટ અને દવાના વેપારીઓ દ્વારા સજ્જડ બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. જામનગર કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર, આ રાષ્ટ્રવ્યાપી નિર્ણય દર્દીઓના હિત, જન આરોગ્ય સુરક્ષા અને દવા ક્ષેત્રમાં સતત વધી રહેલા ગેરવ્યવહાર સામે નિર્ણાયક લડત આપવા માટે લેવામાં આવ્યો છે.

આ વિરોધ પ્રદર્શનના મુખ્ય મુદ્દાઓમાં જી.એસ.આર. 817(ઇ) (તારીખ 28-08-2018) નો સખત વિરોધ સામેલ છે. આ કાયદાએ ઈ-ફાર્મસી અને ઓનલાઈન દવાઓના વેચાણ માટે માર્ગ મોકળો કર્યો છે, પરંતુ બિનનિયમિત પ્લેટફોર્મ્સ દ્વારા નિયમોના ખુલ્લા ઉલ્લંઘનને કારણે ડોક્ટરના યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું વેચાણ, દર્દીઓને સમયમર્યાદા નજીકની કે શંકાસ્પદ દવાઓ મળવાની શક્યતા અને સ્થાનિક લાઇસન્સધારક કેમિસ્ટ પર અસમાન સ્પર્ધા જેવા ગંભીર જોખમો ઉભા થયા છે.

આ ઉપરાંત, મોટા કોર્પોરેટગૃહો અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા ગ્રાહકોને આકર્ષવા આપવામાં આવતા ‘ડીપ ડિસ્કાઉન્ટ’ નાના અને મધ્યમ કદના કેમિસ્ટના વ્યવસાયને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે અને સસ્તી કિંમતના નામે ગુણવત્તા અંગે મોટી શંકાઓ ઊભી કરી રહ્યા છે. ઓનલાઈન પ્લેટફોર્મ્સ થકી ડુપ્લીકેટ દવાઓનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે, જેણે જન આરોગ્યને ભયંકર જોખમમાં મૂકી દીધું છે.

વધુમાં, જી.એસ.આર. 220(ઇ) (તારીખ 26-03-2020) સંબંધિત જોગવાઈઓના ગેરઉપયોગથી બિનઅધિકૃત સપ્લાય ચેઇન મારફતે નકલી અને ભેળસેળયુક્ત દવાઓના પ્રવેશ અંગે પણ સંગઠને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે, જે દર્દીઓના આરોગ્ય અને અસલી દવા સપ્લાય સિસ્ટમ પર ગંભીર નકારાત્મક અસર પાડી રહી છે. આ તમામ ગંભીર કારણોસર એસોસિએશન દ્વારા દર્દી સુરક્ષા અર્થે જી.એસ.આર. 817(ઇ) અને જી.એસ.આર. 220(ઇ) ને પાછું ખેંચી કડક અને સમાન નિયંત્રણો લાગુ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.

આ બંધને પગલે જામનગર કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશને જનતાને અત્યંત નમ્ર અપીલ કરી છે કે દર્દીઓએ પોતાની જીવનજરૂરી અને નિયમિત લેવાતી દવાઓ 20 મેના બંધને ધ્યાનમાં રાખીને અગાઉથી જ મેળવી લેવી જેથી કોઈ અણધારી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સંગઠને નાગરિકો સમક્ષ ક્ષમાયાચના કરતા સંવેદનશીલતાપૂર્વક જણાવ્યું છે કે દર્દીઓને થતી અસુવિધા બદલ તેઓ દિલગીર છે, પરંતુ આ કઠોર પગલું દર્દીઓના હિત, અસલી દવાઓની સુરક્ષા અને દેશની આરોગ્ય વ્યવસ્થાની વિશ્વસનીયતા અકબંધ રાખવા માટે અનિવાર્ય છે. “ડુપ્લીકેટ દવા સામે લડત–દર્દીઓની સુરક્ષા માટે સંકલ્પ” ના બુલંદ નારા સાથે આગળ વધેલા આ આંદોલન દરમિયાન, દર્દીઓને ઇમરજન્સીના સમયે હાલાકી ન ભોગવવી પડે તે માટે જામનગરમાં વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

 આ વ્યવસ્થા અંતર્ગત સોહમ મેડિકલ (સમર્પણ હોસ્પિટલ), ઓશવાલ હોસ્પિટલ ફાર્મસી (દિગ્વિજય પ્લોટ), રીયા મેડિસિન (જે.સી.સી. હોસ્પિટલ–જોલી બંગલો), યુનિક મેડિકલ (યુનિક હોસ્પિટલ–એસ.ટી. બસ સ્ટેન્ડ સામે), રીમ મેડિકલ (રીમ હોસ્પિટલ – વાલકેશ્વરી નગરી), જનતા મેડિકલ સ્ટોર્સ (જી.જી. હોસ્પિટલ), અને શાલિગ્રામ મેડિકલ (શાલિગ્રામ હોસ્પિટલ – ગ્રીન સિટી) નિરંતર કાર્યરત રહેશે.  આ ઉપરાંત, તમામ આઈ.સી.યુ. યુનિટ મેડિકલ અને તાલુકા લેવલે પણ એક-એક મેડિકલ સ્ટોર ઇમરજન્સી સેવાઓ માટે ખુલ્લો રહેશે જેથી કટોકટીના સમયે દર્દીઓને તાત્કાલિક સારવાર અને આવશ્યક દવાઓ વિના વિલંબે મળી રહે.