Narmada Vadodara Road: નર્મદા અને વડોદરા જિલ્લાને જોડતો મહત્ત્વનો 'રંગસેતુ પુલ' હાલ વિવાદ અને જોખમનું કેન્દ્ર બન્યો છે. ગંભીરા પુલ તૂટ્યા બાદ રંગસેતુ પુલ પર ભારે વાહનોની અવરજવર પર કાયદેસરનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, બેફામ બનેલા ભારે વાહનચાલકોએ તંત્ર દ્વારા મારવામાં આવેલી લોખંડની એન્ગલો તોડી પાડીને ફરીથી અવરજવર શરુ કરી દીધી છે.
ગુજરાત સમાચારના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું
નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ આ પુલ પરથી રેતી ભરેલા હાઇવા પસાર થતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ગંભીર બેદરકારીના સમાચાર 'ગુજરાત સમાચાર' પર પ્રસારિત કરવામાં આવ્યા હતા. મીડિયાના અહેવાલ બાદ જાગેલા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી ભારે વાહનોને રોકવા માટે પુલના પ્રવેશદ્વાર પર લોખંડની મજબૂત એન્ગલો લગાવી બેરિકેડિંગ કર્યું હતું.

રાતોરાત એન્ગલો તોડી નિયમોના ધજાગરા ઉડાવાયા
તંત્રની આ કામગીરી લાંબો સમય ટકી શકી નથી. પ્રતિબંધ હોવા છતાં અહીંથી પસાર થવા માંગતા ભારે વાહનચાલકોએ રાત્રિના અંધકારમાં અથવા મોકો જોઈને તંત્ર દ્વારા મારેલી લોખંડની એન્ગલોને તોડી પાડી છે. એન્ગલો તૂટતાની સાથે જ પુલ પર ફરીથી રેતી ભરેલા ભારે હાઇવા અને ટ્રકોનો ધમધમાટ શરુ થઈ ગયો છે.
મોટી દુર્ઘટનાની દહેશત
રંગસેતુ પુલની ક્ષમતા ભારે વાહનો ખમવાની ન હોવાથી જ તેના પર પ્રતિબંધ મૂકાયો છે. જો આ જ રીતે કાયદાના ડર વગર ભારે વાહનો દોડતા રહેશે, તો ગંભીરા પુલ જેવી જ મોટી હોનારત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. સ્થાનિક લોકોમાં ફાળ પડી છે કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ એન્ગલો તોડનારા તત્ત્વો સામે ફોજદારી ગુનો દાખલ કરે છે કે કેમ.


