Get The App

ખારીકટ કેનાલ પ્રોજેક્ટ અંગે ભાજપ ધારાસભ્યના AMCને સવાલ, કહ્યું- 'તંત્રની નબળી કામગીરીને કારણે ખેડૂતો શા માટે ભોગ બને?'

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
ખારીકટ કેનાલ પ્રોજેક્ટ અંગે ભાજપ ધારાસભ્યના AMCને સવાલ, કહ્યું- 'તંત્રની નબળી કામગીરીને કારણે ખેડૂતો શા માટે ભોગ બને?' 1 - image


Ahmedabad Kharicut Canal Project: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કરોડોના ખર્ચે ચાલી રહેલા ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ વચ્ચે સંકલનના અભાવે વિવાદ સર્જાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કામગીરી માત્ર 15 દિવસમાં પૂર્ણ થવાની હતી, ત્યાં અચાનક પાણી છોડવામાં આવતા ચાલુ કામ અટકાવી દેવાની ફરજ પડી છે. કોર્પોરેશનની ધીમી અને નબળી કામગીરીને કારણે પ્રોજેક્ટ સતત વિલંબિત થઈ રહ્યો છે, જેના પરિણામે કરોડોની મશીનરી બહાર કાઢવી પડી છે અને ખેડૂતો તેમજ સ્થાનિકોએ હાલાકી ભોગવવી પડી રહી છે.

ભાજપ ધારાસભ્યના તંત્ર પર આકરા પ્રહાર

દસક્રોઈ વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલે આ મામલે તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો હતો, જેને હું જોઈ શકું તેમ નથી. જે પ્રોજેક્ટની કામગીરી માત્ર બે વર્ષમાં પૂર્ણ કરવાની હતી, તેને આજે ચાર વર્ષ વીતી જવા છતાં કોર્પોરેશન પૂરું કરી શક્યું નથી. ખેડૂતો ક્યાં સુધી રાહ જોવે? વારંવારની રજૂઆતો છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં ભારે વિલંબ કરવામાં આવ્યો છે અને ખેડૂતોને તેમના નુકસાનનું વળતર પણ મળ્યું નથી. જો સમયસર કામ પૂર્ણ થયું હોત, તો આજે આ વિવાદની સ્થિતિ જ ઊભી ન થઈ હોત.'

આ પણ વાંચો: અમદાવાદ: ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં તંત્રના સંકલનનો અભાવ, અચાનક પાણી છોડાતા કેનાલના નવીનીકરણ પર 'બ્રેક' લાગી

સિંચાઈના પાણી અંગે ધારાસભ્ય બાબુ જમના પટેલે કહ્યું કે, 'રવિ પાકની સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સખત જરૂર હોવાથી ઉચ્ચ સ્તરે રજૂઆત કરી પાણી છોડાવ્યું છે. મારે જ્યાં વાત કરવાની હતી ત્યાં મેં કરી દીધી છે અને ખેડૂતોના હિતમાં પાણી મેળવ્યું છે. કેનાલના બાકી રહેલા કામ માટે તંત્રએ બે વર્ષનો સમય માંગ્યો હતો જે આપણે આપ્યો, પણ હવે ચોથા વર્ષે પણ પાણી ન મળે તે ગેરવ્યાજબી છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ખેડૂતોને સહન કરવું પડે તે ચલાવી લેવાય નહીં, તેથી જ મેં પાણી છોડાવવાનો આગ્રહ રાખ્યો હતો.'