નર્મદાના માંડણ ગામે થાર કાર પાણીમાં ગરકાવ: પ્રવાસીઓની બેદરકારીથી મોટી દુર્ઘટના ટળી
Narmada News: કરજણ ડેમના બેકવોટર વિસ્તારમાં આવેલા માંડણ ગામે આજે એક અનોખી ઘટના બની, જ્યાં પ્રવાસીઓની બેદરકારીને કારણે એક થાર કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. સદનસીબે, કારમાં કોઈ સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, કરજણ ડેમના બેકવોટર વિસ્તારમાં કુદરતી સૌંદર્ય માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ પ્રવાસીઓ પોતાની કાર ટેકરા પર પાર્ક કરીને કુદરતી સૌદર્યનો આનંદ માણે છે. આજે પણ એક વ્યક્તિ પોતાની થાર કાર ટેકરા પર પાર્ક કરીને બહાર નીકળ્યા હતા. જોકે, કોઈ અગમ્ય કારણોસર પાર્ક કરેલી થાર કાર ધીમે ધીમે સરકીને પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: ગંભીરા બાદ જૂનાગઢના માંગરોળમાં બ્રિજ તૂટી પડવા અંગે તંત્રએ જુઓ શું આપ્યો જવાબ
આ ઘટના બનતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તંત્ર અને વનવિભાગ દ્વારા અગાઉ પણ અનેકવાર પ્રવાસીઓને કાર પાણીથી સુરક્ષિત અંતરે પાર્ક કરવા સૂચના આપવામાં આવે છે. તેમ છતાં, પ્રવાસીઓ આ સૂચનાઓને અવગણતા હોવાથી આજે આ ઘટના બની હતી.
પાણીમાં ગરકાવ થયેલી થાર કારને અન્ય એક ટેમ્પોની મદદથી બહાર કાઢવામાં આવી હતી. જો કારમાં કોઈ વ્યક્તિ સવાર હોત, તો ચોક્કસપણે એક મોટી અને ગંભીર દુર્ઘટના સર્જાઈ હોત. આ ઘટના પ્રવાસીઓ માટે એક ચેતવણીરૂપ છે કે તેઓ કુદરતી સ્થળોની મુલાકાત લેતી વખતે સલામતીના નિયમોનું પાલન કરે.